'બહાદુર' પાકિસ્તાન ઈઝરાયેલ સામે અમારી મદદે આવે, હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાએ કરી અપીલ
image : Twitter
ગાઝા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી સેનાના ભીષણ હુમલાનો સામનો કરી રહેલા હમાસે હવે પાકિસ્તાનની મદદ માંગી છે.
હમાસની પોલિટિકલ વિંગના ચીફ ઈસ્માઈલ હાનિયાએ કહ્યુ છે કે, પાકિસ્તાન એક બહાદુર દેશ અને તેણે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલા અત્યાચારો રોકવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગાઝામાં ઈઝરાયેલ કઈ રીતે બોમ્બ વરસાવીને નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યુ છે તે કોઈનાથી છુપુ નથી. હોસ્પિટલો પર બોમ્બ ફેંકાઈ રહ્યા છે અને દુનિયા ચૂપચાપ જોઈ રહી છે પણ અમને પાકિસ્તાન પાસે આશા છે. કારણકે પાકિસ્તાન બહાદુર અને ધર્મ માટે લડનારા લોકોની ધરતી છે.
ઈસ્લામાબાદમાં બુધવારે એક રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો અને તેને સંબોધન કરતા ઈસ્માઈલ હાનિયાએ પાકિસ્તાનને દખલગીરી કરવા માટે અપીલ કરી હતી. હાનિયાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન પાસે શક્તિશાળી આર્મી છે અને જો તે ઈઝરાયેલ સામે ઉભુ રહેશે તો સ્થિતિ બદલાઈ જશે. પાકિસ્તાન તરફથી પ્રતિકાર થયો હતો ઈઝરાયેલ ગાઝામાં અત્યાચાર કરતા બે વખત વિચારશે.
હાનિયાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન પાસે અમારા લોકોને બહુ અપેક્ષા છે. લોકોને લાગે છે કે, પાકિસ્તાનની તાકાત આ સંઘર્ષને રોકી શકે છે. હમાસ અત્યારે ઈઝરાયેલના એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ હથિયારોનો મુકાબલો પણ દ્રઢતાથી કરી રહ્યુ છે. યહૂદીઓ મુસ્લિમોના આખી દુનિયામાં સૌથી મોટા દુશ્મન છે અને ઈઝરાયેલ પણ મુસ્લિમોને પોતાના દુશ્મન માને છે. ઈઝરાયેલ આંતરરાષ્ટ્રીય કાયદાઓનુ સતત ઉલ્લંઘન કરી રહ્યુ છે. ધાર્મિક સ્થળોને અપવિત્ર કરી રહ્યુ છે અને ગાઝાના વિસ્તારો પર તેનો કબ્જો વિસ્તરી રહ્યો છે. મુસ્લિમ દેશોએ ઈઝરાયેલ સામે એક થવાની જરુર છે.