યુદ્ધના ભણકારાં, ઈરાન લેશે બદલો, હમાસ ચીફની હત્યા બદલ ઈઝરાયલ પર હુમલાનો કર્યો આદેશ
Image : IANS (File Photo) |
Ayatollah Ali Khamenei: હમાસ પ્રમુખ ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh) ના મૃત્યુની ચર્ચા આખી દુનિયાભરમાં થઇ રહી છે કેમ કે તે હમાસનો પ્રમુખ હતો જેણે ઈઝરાયલની નાકમાં દમ કરી નાખ્યું હતું. ઈઝરાયલે 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા ભીષણ હુમલાનો બદલો લેતાં હાનિયાને ઈરાનમાં નિશાન બનાવીને મારી નાખ્યો.
ઈરાને આપ્યો આદેશ
હાનિયા ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા તે સમયે જ ઈઝરાયલે હુમલો કરીને તેની હત્યા કરી હોવાનો દાવો કરાયો છે. એવામાં હવે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાનો આદેશ આપી દીધો છે જેનાથી ફરી એક મોટા યુદ્ધના ભણકારાં સંભળાઈ રહ્યા છે.
ઈરાનના સુપ્રીમ લીડરનો હુકમ, કરો ઈઝરાયલ પર હુમલો
ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં ઈરાનના 3 અધિકારીઓના હવાલાથી દાવો કરાયો છે કે સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનાઈ (Ayatollah Ali Khamenei)એ ઇરાની સૈન્યને ઈઝરાયલ પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ઈમરજન્સી મીટિંગ બાદ ખામેનાઈએ આ હુમલાનો આદેશ કર્યો હતો.
કઈ રીતે હુમલો થઇ શકે?
જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હુમલો કઇ રીતે કરાશે અને ઈરાન કેટલી તાકાત સાથે હુમલો કરશે પણ એ નક્કી છે કે જે રીતે ઈરાને ગત એપ્રિલમાં તેલ અવીવ અને હાઈફામાં ઈઝરાયલી સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા આ વખતે પણ એ જ રીતે ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઈરાન સહયોગી દેશોની મદદથી પણ હુમલો કરી શકે છે.