હમાસ ચીફ હનીયેહ અને તેમના બોડીગાર્ડની ઇરાનમાં હત્યા
- ઈઝરાયેલ પર શંકા : યુદ્ધ વધુ વકરશે
- ઇરાનના નવા પ્રમુખ મસૂદ પેઝેશકીયનના શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા હનીયેહ તહેરાન ગયા હતા
તહેરાન : ગાઝામાં હજી પણ હમાસના હાથમાં રહેલી પેલેસ્ટાઇનીયન પ્રદેશના નેતા ઇસ્માઈલ હનીયેહ અને તેઓના અંગરક્ષકની તહેરાનમાં તેઓના ઉતારાના સ્થાન ઉપર થયેલા મિસાઈલ હુમલામાં મૃત્યુ થયા હતા. તેમ હમાસનાં જ નિવેદને બુધવારે જણાવ્યું હતું. સહજ રીતે જ ઇરાને આ હત્યા પછી એક દિવસનો શોક પણ જાહેર કર્યો હતો અને ઇરાનનો રાષ્ટ્રધ્વજ અર્ધકાઠીએ ફરક્યો હતો.
આ હત્યા અંગે ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સ (આઈઆરજીસી)નું નિવેદન જણાવે છે કે, આ સાથે અમે બહાદૂર પેલેસ્ટાઇની દેશ અને ઇસ્લામિક રાષ્ટ્રને સાંત્વના પાઠવીએ છીએ. તેમજ ઇરાનના ઉમદા ઇસ્લામિક દેશ તથા તેના રેઝિસ્ટન્ટ ફોર્સ દ્વારા ઇસ્લામિક દેશ હમાસની રાજકીય કચેરીના વડા ઇસ્માઈલ હનીયેહ તથા તેમના અંગરક્ષકની શહીદી અંગે દુ:ખ અને શોક વ્યક્ત કરીએ છીએ.
હનીયેહ ઇરાનના નવા પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાનના શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા તહેરાન ગયા હતા. આ હત્યા અંગે કોઈએ જવાબદારી લીધી નથી પરંતુ સહજ છે કે શંકાની સોય ઈઝરાયલ તરફ જ વળે. ઇરાનના સ્ટેટ ટેલીવિઝને તો આ હત્યા પછી તુર્ત જ જાહેર કર્યું હતું કે આ હત્યા પાછળ ઈઝરાયલનો જ હાથ હોવાની પૂરી શંકા છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ૭ ઓકટો. ૨૦૨૩ થી યુદ્ધ શરૂ થયું છે. તે દિવસે દક્ષિણ ઈઝરાયલમાં એક ઉત્સવમાં ભાગ લઇ રહેલા યહુદીઓ ઉપર હમાસના આતંકીઓએ અચાનક હુમલો કરી ૧૨૦૦થી વધુની હત્યા કરી હતી અને ૨૫૦ જેટલાને બંધકો બનાવ્યા હતા. તેનું વેર વાળવા ઈઝરાયલે શરૂ કરેલા પ્રચંડ આક્રમણને પરિણામે ૪૦,૦૦૦ જેટલા પેલેસ્ટાઇનીઓના મૃત્યુ થયા છે. અને ૯૦૦૦૦ જેટલા ઘાયલ થયા છે. તેમ ગાઝા સ્થિત હમાસના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
તે સર્વવિદિત છે કે ઈઝરાયલ અને ઇરાન વચ્ચે તો દાયકાઓથી કટ્ટર વેર રહેલું છે. હવે યુદ્ધ વકરવાની પૂરી શંકા છે.