ગાઝામાં લોકોની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ અને UNની, હમાસે હાથ અધ્ધર કરી દીધા
image : twitter
તેલ અવીવ,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
હમાસના આતંકી હુમલા બાદ ગાઝા પર શરુ કરેલા વળતા હુમલા રોકવા માટે ઈઝરાયેલ તૈયાર નથી અને તેના કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 8000 લોકોના મોત થઈ ચુકયા છે. જેમાંથી 3000 તો બાળકો છે.
તેની વચ્ચે હમાસે એવુ નિવેદન આપ્યુ છે કે જેના કારણે દુનિયાની ચીંતા વધી શકે છે. હમાસે સ્પષ્ટપણે કહી દીધુ છે કે, ગાઝામાં આમ લોકોની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ અને યુએનની છે. આડકતરી રીતે કહેવામાં આવે તો હમાસે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે.
આમ લોકોને ઈઝરાયેલ અને યુએનના ભરોસે છોડનારા હમાસે પોતાના સંગઠનના સભ્યોની સુરક્ષા માટે પૂરી તૈયારી કરેલી છે. હમાસના અધિકારી મૌસા અબુએ એક રશિયન ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ગાઝાના લોકોની સુરક્ષા ઈઝરાયેલ અને યુએને કરવાની છે. અમારા સંગઠનના સભ્યો પોતાને બચાવવા માટે સુરંગોનુ નિર્માણ કરી રાખ્યુ છે. જે અમારા લડવૈયાઓની રક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની સેના હવે છુટા છવાયા ગ્રાઉન્ડ એટેક પણ કરી રહી છે અને તેના જવાબમાં હમાસના સભ્યો પણ સામે ફાયરિંગ કરીને ઈઝરાયેલની સેનાનો મુકાબલો કરી રહ્યા છે. બીજી તરફ ઈઝરાયેલે હમાસનો ખાતમો ના થાય ત્યાં સુધી યુધ્ધ વિરામ જાહેર કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે.