હમાસના એરચીફ અસેમ અબૂ રકાબાને ઈઝરાયેલી સેનાએ ઠાર કર્યો, 7 ઓક્ટોબરના હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ
Image Source: Twitter
- ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો
ગાઝા, તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર
Israel Palestine Attack: ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 22માં દિવસે ઈઝરાયેલી સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો છે. રકાબા હમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરતા હમાસ એરફોર્સના ચીફ અબૂ રકાબાને ઠાર કર્યો હોવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, રકાબા હમાસના યૂએવી, ડ્રોન, પેરાગ્લાઈડર માટે જવાબદાર હતો. તેણે 7 ઓક્ટોબરના નરસંહારની યોજના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેણે પેરાગ્લાઈડર પર ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓની કમાન સંભાળી હતી અને IDF ચોકીઓ પર ડ્રોન હુમલા માટે જવાબદાર હતો.
એરફોર્સ ચીફને ઠાર કર્યો હોવાનો દાવો
ગત 7 ઓક્ટોબરના રોજ હમાસના લડવૈયાઓએ અચાનક ઈઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. હમાસના હુમલામાં ઈઝરાયેલના 1400થી વધુ નાગરિકોના મોત થઈ ગયા છે. આ સાથે જ સેંકડો ઈઝરાયેલી નાગરિકોને હમાસે બંધક બનાવી લીધા છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના ઠેકાણા પર સતત હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલના ગાઝાપટ્ટી પર કરવામાં આવી રહેલા હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 7,500થી વધુના મોત થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે ઈઝરાયેલે હમાસના એરફોર્સના ચીફને ઠાર કર્યો હોવાનો દાવો કર્યો છે.
IDFને એક દિવસ પહેલા પણ મળી હતી મોટી સફળતા
IDFને એક દિવસ પહેલા પણ મોટી સફળતા મળી હતી. જ્યારે સેનાએ હમાસના પશ્ચિમી ખાન યૂનિસ બટાલિયનના કમાન્ડર મદથ મુબશરને ઠાર કર્યો હતો. આ અગાઉ શનિવારે ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, તેણે ગાઝા પટ્ટીના ઉત્તરમાં 150 અન્ડરગ્રાઉન્ડ ઠેકાણા પર હુમલો કર્યો છે. જેમાં આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરંગો પણ સામેલ છે.