હમાસ સીઝફાયર ડ્રાફ્ટ એગ્રીમેન્ટ સ્વીકારે છે સાથે બંધકોને છોડવાનો પ્લાન પણ સ્વીકારે છે
- આ પૂર્વે મંગળવારે જ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને કહ્યું હતું કે હમાસ ઇઝરાયેલ યુદ્ધ વિરામ સમજૂતી કગાર પર પહોંચ્યા છે
દોહા : ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ અંગેનો ડ્રાફ્ટ એગ્રીમેન્ટ સ્વીકારવા સાથે હમાસે બંધકોને છોડવાનો પ્લાન પણ સ્વીકાર્યો છે. આમ ૭ ઓક્ટો. ૨૦૨૩થી ચાલી રહેલાં આ અવિરામ યુદ્ધમાં આશાનું થોડું કિરણ પણ દેખાઈ રહ્યું છે. આથી હવે દોહામાં ચાલી રહેલી મધ્યસ્થીઓની લાંબી મંત્રણાઓ છેવટે ફળદાયી નિવડશે. તેવી આશા પણ બાંધવામાં આવી રહી છે.
આ પૂર્વે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને દોહામાં મંગળવારે કહ્યું હતું કે હમાસ અને ઇઝરાયલ યુદ્ધ વિરામની કગાર પર પહોંચ્યાં છે.
ઇઝરાયલી અધિકારીએ કહ્યું હતું કે તે દિશામાં પ્રગતિ સધાઈ છે. પરંતુ તેની વિગતોને આખરી ઓપ આપવાનું બાકી છે.
ઉલ્લેખનીય છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા ગત વર્ષથી અમેરિકા ઇજીપ્ત અને કતાર પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ ૭ ઓક્ટો. ૨૦૨૩થી શરૂ થયેલાં આ યુદ્ધમાં કોઈપણ ભોગે શાંતિ સ્થાપવા આતુર હતા.
આ અંગે કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મજીદ અલ અન્સારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બંને પક્ષોને સીઝ ફાયર અંગેનો ડ્રાફ્ટ એગ્રીમેન્ટ આપવામાં આવ્યો હતો. જે ઇઝરાયલ તથા હમાસ બંનેએ સ્વીકાર્યો છે. તેમાં હમાસ ૩૩ ઇઝરાયલી બંધકોને આવતાં સપ્તાહે બાયડેન વહીવટી તંત્રનાં છેલ્લાં સપ્તાહે મુક્ત કરશે. હમાસે ૭ ઓક્ટો. ૨૦૨૩થી હજીસુધી બંધક રાખેલા ૯૪ બંદીવાનો પૈકી ૩૪નાં તો મૃત્યુ થયાં છે.
આ રીતે જો પહેલો તબક્કો આયોજન પ્રમાણે સમજૂતીના ૧૬મા દિવસે સંપન્ન થઇ જાય તો તે પછી બીજા તબક્કા માટેની મંત્રણાઓ શરૂ થઇ શકે. જેમાં હજી પણ જીવંત રહેલા બંધકોને મુક્ત કરવામાં આવશે, અને મૃત બંધકોના મૃતદેહો પણ ઇઝરાયલને સોંપવામાં આવશે.
આ સાથે સૈન્યનાં વીડ્રોયલ અંગે સધાયેલી સમજૂતી પ્રમાણે ઇઝરાયલી સૈન્ય તબક્કાવાર પાછું ખેંચવામાં આવશે. માત્ર સરહદોનાં રક્ષણ પુરતું જ સૈન્ય સરહદે રમાશે. ઇઝારયલી સરહદ ઉપરનાં શહેરો અને ગામોને રક્ષવા ફીલાડેલ્ફી કોરીડોર રચાશે જે ગાઝાની દક્ષિણ સરહદે પણ રખાશે. આ ફીલાડેલ્ફી કોરિડોર ઉપરાંત નેટાઝરીમ કોરિડોરમાંથી પણ ઇઝારયેલી ટુકડીઓ પાછી ખેંચાશે. આ ટુકડીઓ અત્યારે મધ્યસ્થ ગાઝા પટ્ટીમાં રહી છે.
ઇઝરાયલ પણ બંધક રખાયેલા પેલેસ્ટાઇનીઓને મુક્ત કરશે. પરંતુ જેઓ ઉપર જધન્ય હુમલા સદોષ મનુષ્યવધ કે બળાત્કાર જેવાં કલંકો હોય તેઓને કદાચ મુક્ત નહીં કરાય.