Get The App

અડધુ ભારત ચીનના રડારમાં, શ્રીલંકામાં બેઝ બનાવવાનું ડ્રેગનનું કાવતરું

Updated: Apr 9th, 2023


Google NewsGoogle News
અડધુ ભારત ચીનના રડારમાં, શ્રીલંકામાં બેઝ બનાવવાનું ડ્રેગનનું કાવતરું 1 - image


- પાક., ભુતાન બાદ શ્રીલંકાને કાબુમાં કરીને ભારતને ત્રણેય તરફથી ઘેરવાની તૈયારી

- ચીન આ રડાર બેઝથી દક્ષિણ ભારતના પરમાણુ કેન્દ્રો પર ખતરો, અંદામાન-નિકોબાર જતા ભારતીય જહાજ પણ ટ્રેક કરી શકશે

- હિંદ મહાસાગરમાં ભારત, અમેરિકા અને બ્રિટનની નેવી પણ ચીનના રડારમાં આવી જશે : બ્રિટિશ મીડિયાનો ધડાકો

કોલંબો : ભારતને ઘેરવાની તૈયારી કરી રહેલા ચીનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. દેવામાં ડુબેલા શ્રીલંકાના જંગલોમાં ચીન હવે એક રડાર બેઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ રડાર બેઝની મદદથી ડ્રેગન ભારતની જાસૂસી કરશે. આ ઉપરાંત હિંદ મહાસાગરમાં ભારત, અમેરિકા અને બ્રિટનની નેવી સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી ચીન માટે વધુ સરળ બની જશે. આ ખુલાસો બ્રિટનના મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ભારત માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવે છે. શ્રીલંકાની આર્થિક કંગાળ પરિસ્થિતિનો લાભ લઇને ચીન હવે ભારત વિરુદ્ધના કાવતરા માટે શ્રીલંકાનો ઉપયોગ વધારી રહ્યું છે. 

બ્રિટિશ મીડિયાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ચાઇનીઝ રડાર બેસ શ્રીલંકાના ડોંડરાના જંગલોમાં તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર વિસ્તાર હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. તેથી ભારતની જાસૂસી કરવી ચીન માટે સરળ બની જશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. જો આ વિસ્તારમાં લાંબી રેંજના રડાર સ્થાપિત કરવામાં આવે તો ચીન પુરા દક્ષીણ ભારત પર નજર રાખી શકે છે. ધ સંડે ગાર્ડિયનની રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચીન માત્ર હિંદ મહાસાગર જ નહીં સાથે સાથે અરબ સાગરની ઉત્તર દિશામાં પણ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર પણ નેવલ બેઝ તૈયાર કરી રહ્યું છે. તેથી ઉત્તર દિશામાં પણ ચીન ભારતની જાસૂસી કરી શકે છે. 

બ્રિટિશ વેબસાઇટના જણાવ્યા મુજબ શ્રીલંકામાં ચીનના આ નેવી બેઝનો ખુલાસો શ્રીલંકાની ઇંટેલિજેંસ એજન્સીના સુત્રોને ટાંકીને કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની આ રડાર સિસ્ટમના પ્રોજેક્ટનું નેતૃત્વ ચીનની સાઇંસ એકેડમી કરશે. ડોંડરા બેનો વિસ્તાર શ્રીલંકાના દક્ષીણ બાજુ આવેલો છે. જો ત્યાં રડાર બેઝ બનાવવામાં આવે તો ભારતનો અડધો હિસ્સો ચીનની નજર હેઠળ આવી શકે છે. એટલુ જ નહીં ચીન ભારતના સંવેદનશીલ ગણાતા કુડનકુલમ અને અલપક્કમ ન્યૂક્લિયર પાવર પ્લાંટની પણ જાસૂસી કરી શકે છે. એવી ભીતી છે કે ચીનનુ આ રડાર ભારત માટે મોટો ખતરો પેદા કરી શકે છે. અંદામાન અને નિકોબાર દ્વીપ પર જતા ભારતીય નેવીના જહાજો પર ચીન સરળતાથી નજર રાખી શકશે. 

ઉત્તરમાં પાકિસ્તાન, પૂર્વમાં ભુતાન અને દક્ષીણમાં શ્રીલંકાને કાબુમાં કરીને ચીન ભારત પર દબાણ વધારી રહ્યું હોવાના અહેવાલો છે. હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે અને પાકિસ્તાનની પણ એવી જ સ્થિતિ છે. શ્રીલંકાને ચીને મોટી લોન આપી છે, જેને પરત કરવાની હાલ શ્રીલંકાની સ્થિતિ નથી. જેનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાની જમીનનો ઉપયોગ ચીન ભારત વિરુદ્ધ કરવા લાગ્યું છે. ડોંડ્રા ખાડી શ્રીલંકાનો જ એક હિસ્સો છે જ્યાં આ રડાર બેઝ બનાવવાનું ચીને કાવતરુ ઘડયું છે. આ સ્થળ ઐતિહાસિક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે આ વિસ્તાર એક સમયે શ્રીલંકાની રાજધાની પણ રહી ચુક્યું છે. આ ઉપરાંત ચીને શ્રીલંકાના વધુ એક સ્થળ હંબનટોટા પોર્ટને પણ ૯૯ વર્ષ માટે લીઝ પર લઇને પચાવી પાડયું છે. આ વિસ્તારમાં ચીનના જહાજ ઘણા સમય સુધી રોકાયા હતા. આ વિસ્તારને ચીન સૈન્યનો અડ્ડો બનાવી શકે છે. જેનો ઉપયોગ પણ ભારત વિરુદ્ધમાં કરવામાં આવી શકે છે. 


Google NewsGoogle News