હજ શરૂ થાય એ પહેલા જ સાઉદી સરકારનું પગલું, ત્રણ લાખ લોકોને કર્યા મક્કામાંથી બહાર, જાણો કારણ
Hajj 2024 News: સાઉદી અરેબિયાએ આ વર્ષે હજ પહેલાં જ ત્રણ લાખથી વધુ લોકોને મક્કામાંથી બહાર કરી દીધા છે. આમ કરવા પાછળનું કારણ રજિસ્ટ્રેશન છે. સાઉદી અરેબિયા ઓથોરિટીએ જે લોકોએ હજ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા નથી. તેમને મક્કામાંથી બહાર કરી દીધા છે.
શનિવારે, સાઉદી અધિકારીઓએ કહ્યું કે, 'સુરક્ષા દળો અને પોલીસે હજ પહેલા મક્કામાંથી અનધિકૃત હજયાત્રીઓને હટાવવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે. હજ દરમિયાન ભીડનું સંચાલન એ એક મહત્ત્વપૂર્ણ વિષય છે કારણ કે ગયા વર્ષે 1.8 મિલિયન લોકો હજ માટે આવ્યા હતા. આ વર્ષે આ સંખ્યા 19થી 20 લાખ સુધી પહોંચી શકે છે.'
ટુરિસ્ટ વિઝાધારકોને મક્કામાંથી બહાર કર્યા
સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સીએ માહિતી આપી છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં, જરૂરી હજ વિઝાને બદલે પ્રવાસી વિઝા પર આવેલા 1,53,998 વિદેશીઓને ગ્રાન્ડ મસ્જિદ અને કાબામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય સાઉદી અધિકારીઓએ 1,71,587 લોકોની અટકાયત કરી છે. આ લોકો સાઉદી અરેબિયામાં રહે છે, પરંતુ મક્કાના રહેવાસી નથી અને હજ પરમિટ વિના મક્કા આવ્યા હતા. 14મી જૂનથી હજ શરૂ થઈ રહી છે.
14મી જૂનથી હજ શરૂ
આ વર્ષે હજ 14મી જૂનથી શરૂ થઈ રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં, હજ એ સાધનસંપન્ન મુસ્લિમોની ફરજ છે. હજ યાત્રાનો ક્વોટા મર્યાદિત હોવાથી મુસાફરી પેકેજ મોંઘા હોય છે. જેથી ઘણા લોકો રજિસ્ટ્રેશન વિના જ ટુરિસ્ટ વિઝા પર મક્કામાં પ્રવેશે છે. ભીડ વધી જવાથી અકસ્માત સર્જાતા હોય છે. જેને ધ્યાનમાં લઈ આ પગલું લેવામાં આવ્યું છે.
2015માં મીનામાં શેતાનને પથ્થર મારવાની હજ વિધિ દરમિયાન નાસભાગમાં લગભગ 2,300 લોકો માર્યા ગયા હતા. સાઉદી સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવી રહેલા પગલાં આવી ઘટનાને ટાળવાના પ્રયાસો છે. મક્કાના પ્રાદેશિક અધિકારીઓએ કહ્યું છે કે શનિવાર સુધી 13 લાખથી વધુ નોંધાયેલા હજ યાત્રીઓ હજ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યા 20 લાખની નજીક પહોંચી શકે છે. મોટી સંખ્યામાં હજ યાત્રીઓને જોતા સાઉદી અધિકારીઓ આ વખતે નિયમોનો કડક અમલ કરી રહ્યા છે.