Get The App

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખર સમર્થકે H-1B વિઝા મુદ્દે ભારતીયોને 'ત્રીજી દુનિયાના આક્રમણખોરો' ગણાવ્યા, વિવેક રામાસ્વામીએ આપી પ્રતિક્રિયા

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
Laura Loomer-Vivekramaswamy


USA H-1B Visa : દુનિયાભરના ભણેશ્રીઓ માટે H-1B વિઝા એ અમેરિકામાં ઘૂસવા માટેની ચાવી છે. અમેરિકન કંપનીઓ આ વિઝા અંતર્ગત દુનિયાના કોઈપણ ખૂણે વસતા માણસને નોકરી આપીને અમેરિકા બોલાવી શકે છે. આ વિઝાનો ભરપૂર ફાયદો ભારતીયો દાયકાઓથી ઉઠાવતા આવ્યા છે. તાજેતરમાં આ વિઝા બાબતે અમેરિકામાં એક વિવાદ છેડાઈ ગયો છે. 

શું બન્યું H-1B વિઝા બાબતે?

અમેરિકાના લૌરા લૂમર નામના એક ‘ફાર-રાઈટ’ (અત્યંત-જમણેરી વિચારધારા ધરાવનારા) રાજકીય કાર્યકરે H-1B વિઝા લઈને અમેરિકા જનારા ભારતીયો માટે તાજેતરમાં ‘થર્ડ વર્લ્ડ ઈન્વેડર્સ ફ્રોમ ઈન્ડિયા’ (ત્રીજા વિશ્વ ‘ભારત’માંથી આવનારા આક્રમણખોરો) જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આવા શબ્દો બદલ લૌરા લૂમર પર પસ્તાળ પડી છે. 

લૌરાએ શું કહ્યું?   

લૌરાએ કહ્યું હતું કે, ‘અમેરિકા દેશ યુરોપના ગોરી ચામડીવાળા વસાહતીઓ દ્વારા નિર્માણ પામ્યો હોવાથી એના પર ગોરી પ્રજાનો જ હક સૌથી વધારે છે. ત્રીજા વિશ્વના ભારતીયો જેવા આક્રમણખોરોનો નહીં.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મેં MAGA નીતિઓ અમલમાં મુકાય એ માટે ટ્રમ્પને મત આપ્યો હતો. મેં H-1B વિઝાનું પ્રમાણ ઓછું કરાય એ માટે મતદાન કર્યું હતું.’ 

આ પણ વાંચોઃ પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાનો, 2 ચોકીઓ પર કર્યો કબજો, 19 સૈનિકો પણ માર્યા

કોણ છે લૌરા લૂમર?

31 વર્ષના લૌરા લૂમર રાજકીય કાર્યકર અને કોન્સ્પિરસી થિયરિસ્ટ છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખર સમર્થક એવા લૌરા લૂમર ટ્રમ્પની MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઈન - અમેરિકાને ફરીથી મહાન બનાવો) પોલિસીના પણ કટ્ટર સમર્થક છે. 

એક ભારતીયની ઉચ્ચ પદે નિમણૂક લૌરાથી સહન ન થઈ

તાજેતરમાં વ્હાઈટ હાઉસના ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ વિભાગના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે ઉદ્યોગ-સાહસિક શ્રીરામ કૃષ્ણનની નિમણૂક થયા પછી લૌરાએ ભારતીયોના વિરોધમાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. લૌરાએ કૃષ્ણનની નિમણૂકને ‘ડીપલી ડિસ્ટર્બિંગ’ (ખૂબ ખલેલ પહોંચાડનારી) ગણાવી હતી.

લૌરાના શબ્દોએ સર્જ્યો વિવાદ

‘થર્ડ વર્લ્ડ ઈન્વેડર્સ ફ્રોમ ઈન્ડિયા’ શબ્દો બદલ લૌરાએ આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. H-1B વિઝાનો લાભ તો દુનિયાભરના લોકો ઉઠાવતા હોય છે, તો પછી લૌરાએ ફક્ત ભારતીયોને નિશાન બનાવીને આવું નિવેદન કેમ આપ્યું, એ મુદ્દે ચર્ચા જામી છે. લોકોએ લૌરાની ટિપ્પણીને વંશીય રીતે અસંવેદનશીલ ગણાવી છે. ટ્રમ્પના સમર્થક એવા બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ પણ લૌરાને ટપારી છે. 

શું પ્રતિક્રિયા આપી વિવેક રામાસ્વામીએ?

લૌરાની ટિપ્પણીના વિરોધમાં વિવેક રામાસ્વામીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ લખીને સમજાવ્યું હતું કે કઈ રીતે સાંસ્કૃતિક તફાવત એશિયનોને ગોરી પ્રજા કરતાં વધુ કાર્યક્ષમ બનાવે છે. તેમણે લખ્યું હતું કે, ‘ટોચની ટેક કંપનીઓ ‘મૂળ અમેરિકનો’ કરતાં ‘વિદેશમાં જન્મેલા પ્રથમ પેઢીના એન્જિનીયરો’ની નિમણૂક ટોચના પદે કરે છે તેનું કારણ એ નથી કે મૂળ અમેરિકનોમાં બુદ્ધિ ઓછી છે કે પછી તેઓ આળસુ છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિદેશીઓ જુદી સંસ્કૃતિમાં ઊછરીને આવેલા હોય છે, જે તેમની કાર્યક્ષમતા ગોરી પ્રજાની સરખામણીમાં અલગ રીતે વધારે છે. આપણે અઘરા પ્રશ્નોના જવાબ જોઈતા હશે અને સમસ્યાઓ હલ કરવી હશે તો આપણે આ સત્ય સ્વીકારવું પડશે.’ ટૂંકમાં, રામાસ્વામીએ વિદેશી નાગરિકોના અમેરિકામાં પ્રવેશની વકાલત કરી હતી. 

આ પણ વાંચોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માગી માફી, થોડા દિવસ અગાઉ કરી નાખી હતી ભયંકર ભૂલ

મસ્કે લૌરાના નિવેદનો માટે આવું કહ્યું

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ લૌરાને ‘ટ્રોલ’ ગણાવતા કહ્યું હતું કે, ‘આજના જમાનામાં વ્યવસાય કરવાની સંભાવનાઓ અનંત છે. 20-30 વર્ષ અગાઉ અસ્તિત્વમાં જ ન હતી તે બધી વસ્તુઓ હવે શક્ય છે, એના વિશે વિચારો.’ ટૂંકમાં, મસ્કએ લૌરાને ખુલ્લા વિચારો અપનાવવાની સલાહ આપી દીધી હતી.

બીજા મુદ્દે પણ બાખડ્યા લૌરા અને મસ્ક

મસ્કની ટિપ્પણીથી ઘવાયેલ લૌરાએ અમેરિકન સરકારની ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) પોલિસી બાબતે પ્રશ્ન કર્યો હતો કે, ‘શું DOGE ની રચના દેશનો ખર્ચ ઘટાડીને બચેલા નાણાં (ઈલોન મસ્ક જેવા) ટેક અબજોપતિઓની કંપનીઓના પ્રોજેક્ટ્સ તરફ વાળવા માટે કરવામાં આવી છે?’

જવાબમાં મસ્કએ લૌરા ‘ફક્ત લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે’ આવા નિવેદનો કરતી હોવાનું લખ્યું હતું. તેમણે લૌરાના શબ્દોને ‘ઈગ્નોર કરવા’ (અવગણવા) કહ્યું હતું.

એની સામે લૌરાએ લખ્યું હતું કે, ‘સત્ય કહેવું એ ટ્રોલિંગ નથી.’ 

મસ્કની ટ્રમ્પ પત્યેની વફાદારી પર પ્રશ્ન ઉઠાવ્યો

રાતોરાત ટ્રમ્પના ‘ખાસ’ બની ગયેલા મસ્કની મંશા પર સવાલ ઉઠાવતાં લૌરાએ લખ્યું હતું કે, ‘ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પ પર ગોળી ચાલેલી એની 5 મિનિટ પહેલાં જ તમે MAGA ના ટેકામાં આગળ આવ્યા હતા. એ અગાઉ તો તમે જો બાઈડનને મત આપ્યો હતો અને ટ્રમ્પને ખૂબ વૃદ્ધ ગણાવ્યા હતા, એ ભૂલી ગયા?’

લૌરાનું એકાઉન્ટ મર્યાદિત કરાયું

મસ્ક વિરુદ્ધ લખવાને લીધે મસ્કની માલિકીના X પરના લૌરાના એકાઉન્ટના ઘણા ફિચર્સ ડિસેબલ કરી દેવાયા હોવાની ફરિયાદ લૌરાએ કરી હતી. એ દર્શાવતા સ્ક્રીનશોટ પણ તેમણે મૂક્યા હતા.

વિવાદાસ્પદ નિવેદનો લૌરા માટે નવી વાત નથી

લૌરા લૂમર અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. તેઓ મુસ્લિમો વિરુદ્ધ પણ બોલતા રહે છે અને પોતાની જાતને ‘પ્રાઉડ ઈસ્લામોફોબ’ (ગર્વિષ્ટ મુસ્લિમ-વિરોધી) ગણાવે છે. ભૂતકાળમાં એ બદલ પણ એમની ટીકા થઈ છે.

મોટી સંખ્યામાં H-1B વિઝા અપાય છે

ગૂગલ, એમેઝોન અને ટેસ્લા જેવી મોટી અમેરિકન કંપનીઓ H-1B વિઝા આપીને બીજા દેશોના નાગરિકોને અમેરિકા બોલાવે છે. વર્ષ 2024 માં H-1B વિઝા માટે વિશ્વભરમાંથી 7,80,884 અરજીઓ આવી હતી, જેમાંથી 85,000 ને વિઝા આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News