ભારત સરકાર ખુદ કરાવશે પન્નુ કેસમાં અમેરિકન આરોપીની તપાસ, US જશે ભારતીય તપાસ કમિટી
Gurpatwant Singh Pannu: અમેરિકન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ'ના જનરલ કાઉન્સિલ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર મામલે ભારતીય અધિકારીની સંડોવણીના આરોપોની તપાસ માટે રચાયેલી ભારતીય તપાસ કમિટી આજે (15 ઓક્ટોબર) અમેરિકા જશે.
હાલમાં જ પન્નુની હત્યાના પ્રયાસ મામલે ખૂબ હોબાળો થયો હતો. આ દરમિયાન ભારત અને અમેરિકામાં આ મામલાને લઈને ખૂબ જ નિવેદનબાજી થઈ હતી. દાવો કરાયો હતો કે ગુરુપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતીય અધિકારી સામેલ છે. હવે આ આરોપોની તપાસ માટે ભારતે એક કમિટી બનાવી છે. આ ટીમ આરોપોની તપાસ માટે અમેરિકા જશે. આ વાતની માહિતી અમેરિકન વિદેશ મંત્રાલયે આપી છે.
વોશિંગ્ટન જશે તપાસ કમિટી
આ કેસની તપાસ માટે આ કમિટી વોશિંગ્ટન જશે. જ્યાં તેઓ અમેરિકાના અધિકારીઓ સાથે વાત કરશે અને આ કેસની માહિતી મેળવશે. આ સિવાય વિદેશ મંત્રાયલે કહ્યું કે, ભારતે અમેરિકાને જણાવ્યું છે કે, તેણે આ મામલે તપાસ કરાવવા માટે પોતાના પ્રયાસ શરૂ રાખ્યા છે અને જરૂર પડવા પર તેઓ આગળની કાર્યવાહી કરશે.
જાણો સમગ્ર મામલો
અમેરિકન મીડિયાએ ગત વર્ષ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું ષડયંત્ર રચાયું હતું, પરંતુ તે નિષ્ફળ કરી દેવાયું હતું. ત્યારબાદ અમેરિકાએ આ મામલાને ભારતની સામે પણ ઉઠાવ્યો હતો. ત્યારબાદ અમેરિકન વકીલોએ પન્નુની હત્યાના કથિત ષડયંત્રનો આરોપ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર લગાવ્યો હતો. નિખિલ ગુપ્તાની કેચ ગણરાજ્યમાં ધરપકડ કરાઈ હતી અને 14 જૂને અમેરિકા પ્રત્યાર્પણ કર્યું હતું.
ભારતે આ આરોપો ફગાવ્યા હતા. ત્યારબાદ ભારતે આંતરિક તપાસ કમિટીની રચના કરી હતી. ત્યારે, આ વર્ષે જૂલાઈમાં ગૃહ મંત્રાલયે પન્નુના શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધને આગામી પાંચ વર્ષ સુધી લંબાવી દીધો હતો.