ભારતના વધુ એક દુશ્મનનું પાકિસ્તાનમાં મોત: બે અજ્ઞાત લોકોએ કર્યું ફાયરિંગ, જાણો કોણ હતો ખૂંખાર અલી રઝા
Gurdaspur Terror Attack Mastermind Dead: પાકિસ્તાનના કરાચીમાં ભારતમાં થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અલી રઝાની હત્યાનો મામલો સામે આવ્યો છે. અલી રઝા પાકિસ્તાનમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)ના પદ પર કાર્યરત હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સરકારે તેને (ISI)માં પણ અગત્યની જવાબદારી સોંપી હતી. રવિવારે જ્યારે તે પોતાની કારમાં જઇ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા બાઇક સવારોએ તેના પર ભારે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં તેના સુરક્ષા કર્મીને પણ ગોળી વાગી હતી. ત્યાર બાદ બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર (JPMC)માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અલી રઝાનું મોત થયું હતું.
બે લોકોએ ભારે ગોળીબાર કર્યો
અધિકારી રજા અલીએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, સાંપ્રદાયિક સમુહો અને ઉપરાષ્ટ્રવાદી સમુહો જેવા પ્રતિબંધિત સંગઠનો વિરદ્ધ મોટા પાયા પર કામ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અલી રઝા પોતાની કારમાં જઈ રહ્યો હતો. ત્યારે બે બાઇકસવારોએ આવી તેની કાર પર ભારે ગોળીબાર કર્યો હતો. આ પછી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાઇક પર પાછળ બેઠેલા બદમાશે રઝા પર 11 ગોળીઓ ચલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેને છાતી, માથા અને ગરદન પર ગોળીઓ વાગી હતી.
કોણ છે અલી રજા
અલી રજા ભારતના પંજાબમાં 27 જુલાઈ 2015માં ગુરદાસપુરમાં થયેલ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 4 સુરક્ષાકર્મીઓ સહિત 7 લોકોના મોત થયા હતા.
સીંધના CMએ શોક વ્યક્ત કર્યો
પોલીસે જણાવ્યું કે, અજાણ્યા બદમાશોની શોધ કરવામાં આવી રહી છે. રઝાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતદેહને આંચોલીમાં ઈમામ બારગાહમાં દફનાવવામાં આવશે. સિંધના સીએમ સૈયદ મુરાદ અલી શાહે હુમલાની નિંદા કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. મુરાદે રઝાના પરિવાર સાથે વાત કરી હતી અને અલી રઝાની આત્માની શાંતિની કામના કરી હતી.