Get The App

નાઇજીરિયામાં બંદૂકધારીઓનો બેફામ ગોળીબાર : 140થી વધુ ગ્રામીણોની હત્યા

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
નાઇજીરિયામાં બંદૂકધારીઓનો બેફામ ગોળીબાર : 140થી વધુ ગ્રામીણોની હત્યા 1 - image


- હુમલાખોરોએ ખતમ કરેલા બધા લોકો ખ્રિસ્તી હતા

- હુમલાખોરોએ સાંજે હુમલો શરુ કર્યાના બાર કલાક પછી બીજા દિવસે સવારે સલામતી દળોનું આગમન

- આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે વિભાજન વધી રહ્યુ છે

અબુજા, (નાઇજીરિયા) : નાઇજીરિયાના નોર્થ-સેન્ટ્રલ સ્ટેટમાં આવેલા અંતરિયાળ ગામડામાં બંદૂકધારીઓએ બે દિવસ કરેલા હુમલામાં ૧૪૦થી વધુ ગ્રામીણોના મોત થયા છે. આ સામૂહિક હત્યાકાંડ માટે પશ્ચિમી આફ્રિકન દેશમાં ખેડૂત કટોકટીને જવાબદાર માનવામાં આવે છે. હુમલાખોરોએ ૧૭ વિવિધ સમુદાયોને નિશાન બનાવ્યા હતા. તેઓએ કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર હુમલો કર્યો હતો. 

સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં ૧૫ના અંતિમ સંસ્કાર કર્યા છે. બોક્કોસમાં  અમે હજી પણ લાશોની ગણતરી કરી રહ્યા છીએ તે જોતાં સોથી નીચો આંકડો હોય તેવી જરા પણ સંભાવના નથી. બીજા ગ્રામીણ વિસ્તારમાં મરેલા લોકોની તો હજી સુધી જાણકારી લેવાની બાકી છે.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરિયા ઓફિસે જણાવ્યું હતું કે ખ્રિસ્તી પ્રભુત્વવાળા બોક્કોસ અને બાર્કિન લાડીના સ્થાનિક સરકારના વિસ્તારમાં ૧૪૦ના મોત તો નિશ્ચિત મનાય છે. સ્થાનિક અધિકારીઓને ડર છે કે બંદૂકધારીઓએ જે રીતે બે દિવસ સુધી હિંસા કરી અને હજી પણ જે પ્રકારની બેહિસાબ મૃતદેહો છે તે જોતાં આ આંકડો નોંધપાત્ર પ્રમાણમાં ઊંચો જઈ શકે છે.

કેટલાક સ્થાનિકોએ જણાવ્યુ હતું કે સુરક્ષા એજન્સીઓ આવી તેના પહેલા ૧૨ કલાકથી પણ વધુ સમય સુધી તેઓએ હિંસા આચરી હતી. સાંજે છ વાગ્યાથી આ હિંસક હુમલાનો પ્રારંભ થયો હતો, પરંતુ સુરક્ષા દળ બીજા દિવસે સવારે સાત વાગે અમારે ત્યાં આવ્યા હતા, એમ બોક્કોસના યુવા નેતાએ જણાવ્યું હતું.મ્બોમમ્બારુ ગામમાં મારા ભાઈ સહિત કમસેકમ ૨૭ માર્યા ગયા છે, એમ તેણે જણાવ્યું હતું. આ હુમલાની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી.

 તેઓ આ હુમલા માટે સ્થાનિક કબીલા ફુલાની ટ્રાઇબને જવાબદાર ઠેરવે છે. તેમના પર સમગ્ર ઉત્તરપશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં હત્યાઓ કરવાનો આરોપ છે. આફ્રિકાના સૌથી વધુ વસ્તીવાળા દેશમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન વધી રહ્યું છે.આના લીધે આગામી સમયમાં અહીં સ્થિતિ વધુ કથળી શકે છે.


Google NewsGoogle News