ઈરાનમાં હિજાબના વિરોધમાં પ્રદર્શનો હિંસક બન્યા, મૃત્યુઆંક વધીને ૧૮૫
સુપ્રીમ લીડર અયાતુલ્લા અલીના રાજીનામાની માગ ઉગ્ર બની
ઈરાનમાં અરાજકતા ફેલાવવાનું દુશ્મન દેશોનું ષડયંત્ર, સુરક્ષાદળોના ૨૦ જવાનો માર્યા ગયા : સરકારે બળપ્રયોગનો આરોપ ફગાવ્યો
ઈરાનમાં હિજાબના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો દિવસે દિવસે હિંસક બનતા જાય છે. હ્મુમન રાઈટ્સ કમિશનોના દાવા પ્રમાણે સરકારના બળપ્રયોગમાં અત્યાર સુધીમાં ૧૮૫ નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે. પ્રદર્શનો દરેક નાના-મોટા શહેરોમાં થઈ રહ્યા છે અને સુપ્રીમ લીડરના રાજીનામાની માગણી પણ ઉગ્ર બનતી જાય છે.
ઈરાનમાં ૨૨ વર્ષની યુવતી મહસા અમીનીના કસ્ટોડિયલ ડેથ પછી હિજાબના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. હિંસક પ્રદર્શનોમાં ૧૮૫ કરતાં વધુ લોકો માર્યા ગયા છે. નોર્વે સ્થિત ઈરાન હ્મુમન રાઈટ્સ કમિશનના દાવા પ્રમાણે મૃત્યુનો આંકડો વધારે મોટો હોઈ શકે છે. ઈરાનની સરકારના ઈશારે સુરક્ષાદળો પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે અને વિસ્ફોટકો ફેંકીને હુમલા પણ થઈ રહ્યા છે. મૃતકોની સંખ્યા કુર્દ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વધારે છે. પ્રદર્શનો પણ કૂર્દ વિસ્તારમાં જ વધારે થઈ રહ્યા છે. મહસા અમીની કૂર્દ સમુદાયની યુવતી હતી. પાટનગરમાં એ તેના પરિવાર સાથે પ્રવાસમાં આવી હતી ત્યારે હિજાબ ન પહેર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી ભેદી સંજોગોમાં પોલીસના ત્રાસના કારણે કસ્ટડીમાં જ તેનું મોત થયું હતું. તેની સાથે જીવલેણ મારપીટ થઈ હોવાનો આરોપ લાગ્યો હતો અને એ પછી હિજાબના વિરોધમાં આખા ઈરાનમાં પ્રદર્શનો શરૃ થયા હતા.
માનવ અધિકાર સંગઠનોના કહેવા પ્રમાણે ૧૮૫ નાગરિકોના મોત થયા છે એમાં ૧૯ બાળકોનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયામાં શેર થઈ રહેલાં વીડિયોમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે શાળા-કોલેજની વિદ્યાર્થિનીઓ આ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. ઈરાનના નાના-મોટા તમામ શહેરોમાં પ્રદર્શનો થઈ રહ્યા અને સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના રાજીનામાની માગણી ઉગ્ર બની છે.
દરમિયાન ઈરાનની સરકારે આ પ્રદર્શનોને વિદેશનું ષડયંત્ર ગણાવ્યું હતું. સરકારના નિવેદનમાં કહેવાયં હતું કે અમેરિકા સહિતના દુશ્મન દેશો ઈરાનમાં અરાજકતા ફેલાવવા માગે છે. આ દેશોના ઈશારે પ્રદર્શનો હિંસક બનતા જાય છે. જાહેર પ્રોપર્ટીને નિશાન બનાવવામાં આવી રહી છે. સરકારના દાવા પ્રમાણે પ્રદર્શનકારીઓએ નિશાન બનાવેલા સુરક્ષાદળોના ૨૦ જવાનો અત્યાર સુધીમાં માર્યા ગયા છે. સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટીઅર ગેસના સેલ છોડયા હતા. જોકે, પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કે વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાના અહેવાલને સરકારે ફગાવી દીધા હતા.