અમેરિકામાં ચોકલેટ અને ચિપ્સની જેમ મળશે બંદૂકની ગોળીઓ, મશીનમાં પૈસા નાંખો અને બંદૂક ભરી લો
Gun Culture in America: અમેરિકામાં ગન કલ્ચર સતત વધી રહ્યો છે. તાજેતરમાં અમેરિકાથી ગોળીબારની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે અમેરિકાથી વઘુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં, અમેરિકાના માર્કેટમાં નવા પ્રકારની વેન્ડિંગ મશીન આવી છે. આ વેન્ડિંગ મશીનમાં ચોકલેટ કે ચિપ્સ નહી પરંતુ બંદુકની ગોળીઓ (Bullets Vending Machine) મળશે. આ મશીન બનાવનારી કંપનીએ દાવો કર્યો છે કે, ATM મશીનની જેમ આ મશીન પણ અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક માટે કાર્યરત રહેશે. જેથી ગ્રાહકોના સમયની બચત થશે અને જ્યારે તેમને જરૂરિયાત જણાય ત્યારે તે ગોળીઓ ખરીદી શકશે. મીડિયા રિપોર્ટ મુજબ, હાલ આ મશીનો અમેરિકાની વિવિધ ગ્રોસરી શોપ્સ (કરિયાણાની દુકાનો) પર લગાવવામાં આવી રહી છે.
21 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિ કરી શકે છે ઉપયોગ
આ મશીન બનાવતી કંપની અમેરિકન રાઉન્ડ્સે પોતાની વેબસાઇટ પર આ અંગે જાણકારી આપી છે. કંપની એ આ મશીનને AARM (ઓટોમેટેડ એમ્મો રિટેલ મશીન) નામ આપ્યું છે. 21 વર્ષથી વધુ વય ધરાવતા ગ્રાહકો ATMના ઉપયોગની જેમ આ મશીનથી સરળતાથી ગોળીઓ ખરીદી શકે છે. કંપની અનુસાર તેમની મશીનો 24/7 ઉપલબ્ધ છે. માટે હવે ગ્રાહકોને ગોળીઓ ખરીદવા માટે કલાકો સુધી લાંબી લાઇનોમાં રાહ જોવાની જરૂર નથી. તેઓ હવે કોઇ પણ સમયે ગોળીઓ ખરીદી શકે છે.
શું છે આ મશીનની ખાસિયત?
અમેરિકન રાઉન્ડ્સ કંપનીએ દાવો કર્યો છે કે, આ મશીનો ઇનબિલ્ટ AI ટેક્નોલોજી, કાર્ડ સ્કેનિંગ ક્ષમતા અને ચહેરાની ઓળખ કરતા સોફ્ટવેરથી સજ્જ છે. આમાં ઇન્સટોલ સોફ્ટવેર કસ્ટમરને ઓળખી વેરિફાઇ કરી શકે છે. જેથી કોઇ ગરબડ કે ચોરીની ઘટનાઓની શક્યતાઓ નહિવત બને છે.
શું બોલ્યો કંપનીનો CEO?
કંપનીના CEO ગ્રાન્ટ મેગર્સે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હાલ આ મશીન ચાર રાજ્યોના આઠ સ્થળોએ ઇન્સટોલ કરવામાં આવી છે. ઉપરાંત મશીન લગાવવા માટે અમારી પાસે લગભગ નવ રાજ્યોમાંથી 200થી વધુ અરજીઓ આવી છે. હાલ અમે ગોળીઓ ઓનલાઇન વેચી રહ્યા છે. અહેવાલ અનુસાર પહેલી મશીન અલબામાના પેલ સિટીમાં લગાવવામાં આવી હતી. પછી ચાર મશીનો ઓક્લાહોમાના બજારમાં, એક મશીન કેન્યન લેક પર અને અન્ય મશીનો ટેક્સાસના એક બજારમાં ઇન્સટોલ કરવામાં આવી છે.
મશીનનો થઇ રહ્યો છે વિરોધ
આ મશીનના સંશોધનથી અમેરિકામાં ગન કલ્ચરનો વ્યાપ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ આ મશીનોનો ભારે વિરોધ પણ થઇ રહ્યો છે. ગન કલ્ચરના વિરોધી અમેરિકન નાગરીકો આ નવી સુવિધા વિરૂદ્ધ સવાલો ઉઠાવી રહ્યા છે.