પત્નીના મૃત્યુ પછી કેટલા સમયમાં લગ્ન કરાય તેવું સર્ચ કરતાં ગુજરાતી યુવકનો ભાંડો ફૂટયો
- અમેરિકામાં નરેશ ભટ્ટ પર નેપાળી પત્નીની હત્યાનો આરોપ
- પત્ની વર્જિનિયામાં ગુમ થાય તો શું થાય તેવું પણ આરોપી સર્ચ કરતો હતો, સુપરમાર્ટમાંથી છરી ખરીદી
વર્જિનિયા : અમેરિકામાં વર્જિનિયા ખાતે રહેતા ગુજરાતીને પત્ની મરી ગયા પછી કેટલા સમયમાં લગ્ન કરી શકાય તેવું સર્ચ કરવું ભારે પડયુ છે. ૩૩ વર્ષના ગુજરાતી નરેશ ભટ્ટની તેની નેપાળી પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પણ તેની પત્નીનો મૃતદેહ મળ્યો નથી, પરંતુ પોલીસને પૂરેપૂરી શંકા છે કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. સાંયોગિક પુરાવા પણ તેનો નિર્દેશ કરે છે. તેનો સૌથી મોટો પુરાવો પત્ની મરી શકાય પછી કેટલા સમયમાં લગ્ન કરાય તેવું તેણે સર્ચ કર્યુ તે છે.
પોલીસનું કહેવું છે કે નેપાળની ૨૮ વર્ષની વતની મમતા કાફીલ ભટ્ટ ગુમ છે. આ મમતા ગુમ થઈ તેના પછી તેનો પતિ શંકાસ્પદ વસ્તુઓ ખરીદતો અને પત્નીના મોત પછી કેટલા સમયમાં લગ્ન કરી શકાય તેવું સર્ચ કરતો જોવા મળ્યો હતો. તેની પત્ની મમતા છેલ્લે ૨૯મી જુલાઈના રોજ જોવા મળી હતી. તેના પછી તેનો મૃતદેહ પણ મળ્યો નથી.
વર્જિનિયાની ગ્રાન્ડ જ્યુરીએ પણ નિર્દેશ કર્યો છે કે મેન્સાસ પાર્કના રહેવાસી પર ખૂનનો અને તેના પત્નીના મૃતદેહનો નિકાલ કરવાનો આરોપ છે. તેના પછી શંકાસ્પદ ખરીદી કરી હોવાનો આરોપ છે. સ્થાનિક સત્તાવાળાઓના વેલનેસ ચેક દરમિયાન મમતા પાંચમી ઓગસ્ટથી ગુમ થઈ હોવાનું માલૂમ પડયુ હતુ.
મમતા ગુમ થયાના થોડા જ સમયમાં મૃત્યુ પામી હોવાનુ માનવામાં આવે છે. પૂછપરછ દરમિયાન ભટ્ટે જણાવ્યું હતું કે તેઓ અલગ થવાની તૈયારી કરી રહ્યા હતા. સરકારી વકીલનો આરોપ હતો કે એપ્રિલમાં તે સર્ચ કરતો હતો કે પત્નીના મોત પછી કેટલા સમયમાં લગ્ન કરી શકાય. આમ તે મર્ડરનું આગાતરું આયોજન ધરાવતો હતો. આ સિવાય પત્ની વર્જિનિયામાં ગુમ થાય તો શું થાય તેવું પણ સર્ચ કરતો હતો.
આ ઉપરાંત ભટ્ટે સ્થાનિક સુપરમાર્ટમાંથી ત્રણ છરી ખરીદી હતી. તેમા બે હજી મળી નથી. સર્વેલન્સ ફૂટેજમાં તે વોલમાર્ટમાંથી ક્લીનલીનેસ સપ્લાય આઇટેમ ખરીદતો દેખાયો હતો. વકીલોએ દાવો કર્યો હતો કે ભટ્ટે લોહીથી લથપથ મેટનો નિકાલ કરી નાખ્યો છે. ભટ્ટના વકીલની દલીલ હતી કે તેની પત્ની હજી જીવે છે. પણ ડીએનએના પુરાવા સૂચવે છે કે તેનું લોહી ઘરેથી મળી આવ્યું હતું. આ સૂચવે છે કે તેને મારી નાખવામાં આવી હતી અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.