અમેરિકામાં FBIની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ગુજરાતી યુવકનું નામ, ઈનામની રકમ બે કરોડ જાહેર કરાઈ

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં FBIની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ગુજરાતી યુવકનું નામ, ઈનામની રકમ બે કરોડ જાહેર કરાઈ 1 - image


- ભદ્રેશની હિંસક માનસિકતા જોતાં તાત્કાલિક ધરપકડ જરૂરી

- અમદાવાદના ભદ્રેશ પટેલે વિઝા પૂરા થવાના મહિના પહેલાં જ વતન પરત ફરવા માગતી પત્ની પલકની હત્યા કરી હતી

વોશિંગ્ટન : અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ની મોસ્ટ વોન્ટેડ યાદીના ટોચના ૧૦ ગુનેગારોમાં ગુજરાતી ભદ્રેશ કુમારનું નામ આવતા ખળભળાટ મચી ગયો છે. સાત વર્ષથી એફબીઆઈથી ભાગતા ફરતા ભદ્રેશને ઝડપી લેવા માટે તપાસ એજન્સીએ વધુ સઘન પ્રયાસો હાથ ધર્યા છે અને તેના પરની ઈનામી રકમ વધારીને બે કરોડ રૂપિયા કરી દીધી છે. એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ ભદ્રેશ પટેલ પર એપ્રિલ ૨૦૧૫માં હેનોવર, મેરીલેન્ડ સ્થિત ડન્કીન ડોનટ્સમાં તેની સાથે જ કામ કરતી પત્ની પલકની કરપીણ હત્યા કરવાનો આરોપ છે. તેણે વિઝા પૂરા થયાના એક મહિના પહેલાં જ ભારત પરત ફરવા માગતી પત્નીની હત્યા કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

અમેરિકી એજન્સીએ જાહેર કરેલી માહિતી મુજબ પટેલે ડોનટ શોપના અંધારિયા બેકરૂમમાં ધારદાર છરીથી પત્ની પર અનેક જીવલેણ ઘા કર્યા હતા. આઘાતજનક બાબત છે કે શોપની સર્વેલન્સ સીસ્ટમમાં સ્પષ્ટપણે કેદ થઈ હતી. ફૂટેજમાંથી માહિતી મળી હતી કે ત્યારે ૨૪ વર્ષના ભદ્રેશ પટેલ અને તેની પત્ની કિચન વિસ્તારમાં ગયા પછી ગાયબ થઈ ગયા હતા અને થોડી પળો પછી પટેલ પાછો ફર્યો હતો. આ ઘટના સમયે અનેક ગ્રાહકોની શોપમાં હાજર હતા.

મૂળ વીરમગામ નજીકના ગામના રહેવાસી ભદ્રેશ પટેલ પર પ્રથમ ડીગ્રીની હત્યા, બીજી ડીગ્રીની હત્યા અને વિવિધ પ્રકારના હુમલા સહિત અનેક ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. તુરંત ઘટનાસ્થળેથી નાસી ગયેલો ભદ્રેશ પટેલ નવ વર્ષથી તપાસ એજન્સીના હાથમાં નથી આવ્યો. એફબીઆઈની બાલ્ટીમોર ફીલ્ડ ઓફિસના ઈનચાર્જ ગોર્ડને જોનસને જણાવ્યું કે ભાગેડુ ભદ્રેશ પટેલ દ્વારા કરાયેલા અપરાધની હિંસક પ્રકૃતિને જોતા તેની શક્ય એટલી વહેલી તકે ધરપકડ થવી જરૂરી છે. એફબીઆઈએ ભદ્રેશકુમાર પટેલને શોધવામાં સહાય કરવા જાહેર જનતાને અપીલ કરતા અપરાધીને કોઈપણ ભોગે સજા અપાવવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News