Get The App

બ્રિટનમાં 9.7 કરોડ પાઉન્ડની કરચોરી બદલ ગુજરાતી દોષિત

Updated: Apr 14th, 2023


Google NewsGoogle News
બ્રિટનમાં 9.7 કરોડ પાઉન્ડની કરચોરી બદલ ગુજરાતી દોષિત 1 - image


- ટેક્સ વિભાગે બ્રિટનના ઇતિહાસની સૌથી મોટી કરચોરી ગણાવી

- 55 વર્ષીય આરીફ પટેલ પર સરકારી આવકમાં છેતરપિંડી કરવા કાવતરું ઘડવા, બ્રાન્ડના નામે નકલી કપડાનું વેચાણ અને મની લોન્ડરિંગનો આરોપ

લંડન : નકલી ડિઝાઇનર વસ્ત્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ અને ગુજરાતી મૂળના આરીફ પટેલને બ્રિટનમાં કરચોરીનો દોષિત ઠેરવવામાં આવ્યો છે. પટેલ પર એક ગુનાહિત  જૂથની સાથે મળીને કપડા અને મોબાઇલ ફોનની નકલી નિકાસ વેટ રિપેમેન્ટનો દાવો કરી  ૯.૭ કરોડ પાઉન્ડની કરચોરી કરવાનો આરોપ હતો.

બ્રિટનના ટેક્સ વિભાગે ૫૫ વર્ષીય આરીફ પટેલને દોષિત ઠેરવ્યા છે. બ્રિટનના ટેક્સ વિભાગે આ  કેરચોરીને બ્રિટનના ઇતિહાસની સૌથી મોટી ટેક્સ છેતરપિંડી ગણાવી છે. 

ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૪ સપ્તાહની સુનાવણી પછી પટેલને ખોટા નાણાકીય પત્રકોર રજૂ કરવા, સરકારી આવકમાં છેતરપિંડી કરવા માટે કાવતરું ઘડવા, બ્રાન્ડના નામે નકલી કપડાનું વેચાણ અને મની લોન્ડરિંગના દોષિત ઠેરવવામાં આવ્યા છે.

ફ્રોડ ઇન્વેસ્ટીગેશન સર્વિસમાં હિસ મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ (એચએમઆરસી)ના ડાયરેક્ટર રિચાર્ડ લાસે જણાવ્યું હતું કે આરીફ પટેલ કાયદાનું પાલન કરતા લોકોના ખર્ચે વૈભવી જીવન વ્યતિત કરતો હતો.

તેમણે જણાવ્યું હતું કે એક દાયકાથી વધુ સમય સુધી એચએમઆરસી અને અમારા ભાગીદારોએ આ જૂથને કોર્ટમાં લાવવા માટે એકસાથે મળીને અથાગ પરિશ્રમ કર્યો હતો. 

આ જૂથે બ્રિટનની સંપત્તિની ૭.૮ કરોડ પાઉન્ડથી વધુની રકમની ઉચાપત કરી હતી  અને તેણે આ રકમ પરત મેળવવા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચાલુ સપ્તાહમાં પૂર્ણ થયેલ સુનાવણીમાં કેસના સહ આરોપી દુબઇના ૫૮ વર્ષીય મોહમ્મદ ઝફર અલીને પણ કાવતરુ રચવા અને મની લોન્ડરિંગના દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં આરીફ અને અલીને આગામી મહિને સજા સંભળાવવામાં આવશે. 


Google NewsGoogle News