Get The App

હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર પણ યુરોપિયન યુનિયનને છોડશે? બ્રેક્ઝિટ બાદ ડેક્ઝિટની તૈયારી

જર્મનીની હાલની સરકાર યુરોપીયન યુનિયનમાં રહેવાની તરફેણમાં છે, જ્યારે જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીનો વિરોધ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર પણ યુરોપિયન યુનિયનને છોડશે?  બ્રેક્ઝિટ બાદ ડેક્ઝિટની તૈયારી 1 - image
add caption

Germany News | જમણેરી વિચારધારા ધરાવતી ઓલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી) પાર્ટીએ જર્મનીની યુરોપીયન યુનિયનમાંથી એક્ઝિટ એટલે કે ડેક્ઝિટનો મુદ્દો ઉઠાવ્યો છે. એએફડીએ સૂચન કર્યું છે કે, જર્મનીને મજબૂત બનાવવું હોય તો બ્રિટનની જેમ યુરોપીયન યુનિયનમાંથી નિકળી જવું જોઈએ. બ્રિટનની સરકારે યુરોપીયન યુનિયનમાં રહેવું કે નિકળી જવું એ માટે જનમત લીધો હતો એ રીતે જર્મનીમાં જનમત કરાવવાનું સૂચન કરીને એલાન કર્યું છે કે, 2025માં પોતે સત્તામાં આવશે તો યુરોપીયન યુનિયનમાં રહે કે નહીં એ અંગે ચોક્કસ જનમત કરાવશે. 2025ની ચૂંટણી માટેના ઓપિનિયન પોલમાં એડીએફ લોકપ્રિયતામાં બીજા નંબરે છે તેથી તેની જાહેરાતને ગંભીર માનવામાં આવે છે. 

બ્રિટન યુરોપીયન યુનિયનમાંથી અલગ થઈ ગયું એ રીતે જર્મની  પણ યુરોપીયન યુનિયનથી અલગ થઈ જશે કે શું એ સવાલ અત્યારે આખા યુરોપમાં ચર્ચાઈ રહ્યો છે. જર્મનીમાં ફેડરલ એટલે કે કેન્દ્ર સરકાર ચૂંટવા માટે ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં ચૂંટણી છે. આ ચૂંટણી માટે જમણેરી વિચારધારા ધરાવતી ઓલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી) પાર્ટીએ જર્મનીની યુરોપીયન યુનિયનમાંથી એક્ઝિટ એટલે કે ડેક્ઝિટનો મુદ્દો ઉઠાવ્યો છે. 

એએફડીએ સૂચન કર્યું છે કે, જર્મનીને મજબૂત બનાવવું હોય તો બ્રિટનની જેમ યુરોપીયન યુનિયનમાંથી નિકળી જવું જોઈએ. બ્રિટનની સરકારે યુરોપીયન યુનિયનમાં રહેવું કે નિકળી જવું એ માટે જનમત લીધો હતો એ રીતે જર્મનીમાં જનમત કરાવવાનું પણ એએફડીએ સૂચન કર્યું છે. સાથે સાથે એલાન પણ કર્યું છે કે, ૨૦૨૫માં પોતે સત્તામાં આવશે તો યુરોપીયન યુનિયનમાં રહેવું કે નહીં એ અંગે ચોક્કસ જનમત કરાવશે. 

એએફડીની જાહેરાતે હલચલ મચાવી છે કેમ કે ૨૦૨૫ની ચૂંટણી માટેના ઓપિનિયન પોલમાં એડીએફ લોકપ્રિયતામાં બીજા નંબરે છે. પહેલા નંબરે સૌથી મોટો વિપક્ષ યુનિયન પાર્ટીઝ છે એ જોતાં હાલની સરકાર ઘરભેગી થશે એ નિશ્ચિત મનાય છે. જર્મનીમાં અત્યારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસડીપી)ના નેતૃત્વ હેઠળના મોરચાની સરકાર છે અને ઓલાફ સ્કોલ્ઝ ચાન્સેલર છે.  ગ્રીન પાર્ટી અને ફ્રી ડેમોક્રેટિક પાર્ટી (એફડીપી) આ મોરચામાં ભાગીદાર છે. જર્મનીના સંસદના નીચલા ગૃહ એટલે કે બુંડસ્ટાકની ૭૩૫ બેઠકોમાંથી આ મોરચા પાસે ૪૧૬ બેઠકો છે જ્યારે વિપક્ષો પાસે ૩૧૯ બેઠકો છે ને તેમાં ૧૯૭ બેઠકો તો યુનિયન પાર્ટીઝ તરીકે ઓળખાતી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (સીડીયુ) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (સીએસયુ) પાસે છે. 

એએફડી પાસે ૭૮ બેઠકો છે એ જોતાં અત્યારે ભલે એ પાંચમા નંબરે હોય પણ હવે પછીની ચૂંટણીમાં તેના સત્તામાં આવવાના ચાન્સ પ્રબળ ગણાય છે કેમ કે પોલમાં યુનિયન પાર્ટીઝ અને એડીએફ વચ્ચે બહુ ઓછું અંતર છે. ચૂંટણીને હજુ દોઢ વર્ષની વાર છે એ જોતાં એડીએફ જોર કરીને સત્તામાં આવી શકે છે. એડીએફ સત્તામાં આવે તો તેનો અર્થ એ થાય કે, યુરોપીયન યુનિયનથી અલગ થવાના તેના મુદ્દાએ જર્મનોને પ્રભાવિત કર્યા છે. યુરોપીયન યુનિયનથી અલગ થવાના જનમતમાં પણ લોકો એફડીને સમર્થન આપે તેથી જર્મની અલગ થઈ શકે. 

જર્મનીની હાલની સરકાર યુરોપીયન યુનિયનમાં રહેવાની તરફેણમાં છે. જર્મનીના નાણાં મંત્રી ક્રિશ્ચિયન લિંડનરના દાવા પ્રમાણે તો જર્મની યુરોપીયન યુનિયનમાંથી અલગ થાય તો તેનું અર્થતંત્ર તબાહ થઈ જશે કેમ કે યુરોપીયન યુનિયનના કારણે ઉભું થયેલું સિંગલ માર્કેટ જર્મની માટે સૌથી મહત્વનું છે. યુરોપીયન યુનિયનનું સભ્ય હોવાના કારણે જર્મનીના માલ પર યુરોપીયન યુનિયનના દેશોમાં કોઈ ડયુટી લાગતી નથી તેથી બધા દેશોને આ માલ સસ્તો પડે છે અને જર્મનીનું મેન્યુફેક્ચરિંગ આધારિત અર્થતંત્ર ધમધોકાર ચાલે છે. 

ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન લિંડનરની વાતમાં સૂર પુરાવી રહ્યા છે. મોટા ભાગના રાજકારણીઓ પણ આ વાત સાથે સહમત છે. તેમની દલીલ છે કે, જર્મનીએ યુરોપીયન યુનિયનને મજબૂત કરવામાં મોટું યોગદાન આપ્યું છે.  વરસોની મહેનત પછી સિંગલ માર્કેટની સિસ્ટમ ગોઠવી છે ત્યારે યુરોપીયન યુનિયનમાંથી નિકળીને નવેસરથી બધું ગોઠવવું મુશ્કેલ છે એ જોતાં આ અખતરો કરવા જેવો નથી. 

લિંડનરના કહેવા પ્રમાણે, યુરોપીયન યુનિયનમાંથી ખસી જવાથી જર્મન ઉત્પાદનો મોંઘાં થાય ને બીજા દેશોને ફાયદો મળે તેથી જર્મન અર્થતંત્ર તબાહ થઈ જાય. જર્મનીનું અર્થતંત્ર નિકાસ પર આધારિત છે ત્યારે યુરોપીયન યુનિયનના વિશાળ બજારને છોડવું તેને પરવડે તેમ નથી. 

એએફડી આ દલીલને બકવાસ ગણાવે છે. તેનું કહેવું છે કે, જર્મની વિશ્વમાં કાર અને મશીનરી ઉત્પાદનમાં ટોપ પર છે. જર્મની કસ્ટમાઈઝ્ડ મશીનરીમાં દુનિયામાં અવ્વલ છે તેથી તેના સર્વિસ સેક્ટરની કમાણી પણ અઢળક છે. દુનિયાના કોઈ દેશને જર્મન કાર તથા મશીનરી વિના ચાલવાનું નથી. 

બીએમડબલ્યુ, મર્સીડીઝ-બેન્ઝ. ફોક્સવેગન,  ઔડી, પોર્શ સહિતની લક્ઝુરીયસ કાર જર્મન છે. અમેરિકા અને જાપાન સામે ટક્કર ઝીલીને આ કંપનીઓએ પોતાની ધાક જમાવી છે. એ જ રીતે આલિયાંઝ, અડિદાસ, સીમન્સ સહિતની કંપનીઓનો પણ દબદબો છે ને તેને કોઈ ઘટાડી શકે તેમ નથી. યુરોપીયન યુનિયનના દેશો ડયુટી લગાવશે તો પણ આ કંપનીઓનો માલ વેચાવાનો જ છે. બીજું એ કે, યુરોપના બીજા દેશો જર્મન માલ પર ડયુટી ઠોકે તો જર્મની પણ સામે તેમના માલ પર ડયુટી ઠોકીને તેમનું નાક દબાવી જ શકે છે. 

બીજી તરફ યુરોપીયન યુનિયનમાંથી નિકળ જવાથી જર્મનીને ફાયદો એ થશે કે તેનું ફાયનાન્સિયલ સેક્ટર મજબૂત થશે. અત્યારે યુરોપના બીજા દેશોની કંપનીઓ જર્મનીના ફાયનાન્સિયલ સેક્ટરમાં છવાયેલી છે. તેમના કારણે જર્મનો બીજા દેશોમાં રોકાણ કરી રહ્યા છે અને જર્મનીનાં નાણાં બીજા દેશોમાં જઈ રહ્યાં છે. 

એડીએફના મતે, જર્મનીને કારણે યુરોપીયન યુનિયનના બીજા દેશોને ફાયદો થઈ રહ્યો છે. યુરોપીયન યુનિયનની કુલ જીડીપી ૧૮ ટ્રિલિયન ડોલર છે જ્યારે જર્મનીની જીડીપી ૪.૫૦ ટ્રિલિયન ડોલર છે. મતલબ કે, યુરોપીયન યુનિયનની જીડીપીમાં ૨૫ ટકા હિસ્સો જર્મનીનો છે. બીજી તરફ યુરોપીયન યુનિયનની ૪૫ કરોડની વસતીમાં જર્મન ૨૦ ટકાથી પણ ઓછા એટલે કે લગભગ ૮.૫ કરોડ છે. યુરોપીયન યુનિયનમાં માથાદીઠ આવક ૪૦ હજાર ડોલર છે. તેની સામે જર્મનીમાં માથાદીઠ આવક ૫૩ હજાર ડોલર છે. આ સંજોગોમાં જર્મની નિકળી જાય તો ફટકો યુરોપીયન યુનિયનને પડે. 

વિશ્વના ધનિક દેશોના બનેલા ગ્રુપ ઓફ સેવન (જી-૭)ના દેશોમાંથી માત્ર જર્મની એવું છે કે જેનો આર્થિક વિકાસ દર ઘટયો છે. ૨૦૨૪માં જર્મનીનો આર્થિક વિકાસ દર માત્ર ૦.૪ ટકા રહેશે એવી આગાહી બે ટોચની બેંકો ડયુશ બેંક અને કોમર્ઝ બેંકે કરી છે. એડીએફ તેના માટે યુરોપીયન યુનિયનને જવાબદાર ગણે છે. લિંડનરે ફાયનાન્સિયલ માર્કેટને મજબૂત કરવા માટે પગલાં લેવાની તૈયારી બતાવી છે પણ એએફડી કશું થાગડથિગડ કરવાના બદલે એક ઘા ને બે કટકાની તરફેણ કરીને યુરોપીયન યુનિયનમાંથી ખસી જવાની જ વાત કરે છે. 

જર્મનીના રાજકીય વિશ્લેષકોના મતે, જર્મનીમાં યુરોપીયન યુનિયનથી અલગ થવાની લાગણી પ્રબળ બની રહી છે એ સ્વીકારવું પડે. તેનું કારણ યુરોપના દેશોમાં બહારથી ઠલવાઈ રહેલા માઈગ્રન્ટ્સ છે. ઓલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી)એ જર્મનીને યુરોપીયન યુનિયનથી અલગ કરવાની માગ કરતો ઠરાવ ત્રણેક વર્ષ પહેલાં કરેલો પણ એ વખતે લોકોને આ વિચાર બહુ નહોતો ગમ્યો.  

એડીએફની સ્થાપના ૨૦૧૩માં થઈ પછી એડીએફ ૨૦૧૭માં પહેલી વાર ચૂંટણી લડયો ત્યારે તેને ૯૪ બેઠકો મળેલી. ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં જર્મનીના સંસદના નીચલા ગૃહ એટલે કે બુંડસ્ટાકની ચૂંટણી હતી. તેના પાંચ મહિના પહેલાં એએફડીએ એન્ટિ-યુરોપીયન યુનિયન, એન્ટિ-લોકડાઉન અને એન્ટિ-ઈમિગ્રેશન એ ત્રણ મુદ્દે ચૂંટણી લડવાનું નક્કી કરેલું પણ આ મુદ્દા તેને ફળ્યા નહોતા. તેની બેઠકો ઘટીને ૮૩ થઈ ગઈ હતી. 

હવે અચાનક એડીએફનો જનાધાર વધવા માંડયો છે તેનું કારણ બહારથી ઠલવાઈ રહેલા માઈગ્રન્ટ્સ છે કે જેમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે. ફ્રાન્સ સહિતના દેશો માનવતાના નામે આ માઈગ્રન્ટ્સને આવકારે છે. આ માઈગ્રન્ટ્સ પછી જર્મની સહિતના યુરોપના બધા દેશોમાં ફેલાય છે. એડીએફનું કહેવું છે કે, આ લોકોના કારણે જર્મનીને ખતરો છે અને જર્મનીની ઓળખ જ મટી જશે. લોકોને ગળે આ વાત ઉતરી રહી છે તેથી એડીએફ લોકપ્રિય બની રહી છે. તેના જોરે એડીએફ સત્તામાં આવી જાય ને જર્મનીને યુરોપીયન યુનિયનથી અલગ કરી દે એવું બને. 

બ્રિટન માટે બ્રેક્ઝિટ સમજ્યા પણ જર્મની માટે ડેક્સિટ કેમ ? 

બ્રિટન યુરોપીયન યુનિયનમાંથી અલગ થાય તેના માટે બ્રેક્ઝિટ (Brexit) શબ્દ વપરાતો હતો એ રીતે જર્મની યુરોપીયન યુનિયનમાંથી અલગ થાય તેના માટે ડેક્સિટ (Dexit) શબ્દ વપરાય છે. બ્રિટનના કિસ્સામાં તો બ્રિટન (Britain) અને એક્ઝિટ (Exit) બે શબ્દ મળીને બ્રેક્ઝિટ શબ્દ બન્યો એ સમજાય એવું છે પણ જર્મનીના કિસ્સામાં ડેક્સિટ શબ્દનો ઉપયોગ કેમ થાય છે એ ઘણાંને સમજાતું નથી. તેનો જવાબ એ છે કે, જર્મન ભાષામાં જર્મનીને ડોઈચલેન્ટ (Deutschland) કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આપણા દેશ માટે ઈન્ડિયા શબ્દ છે પણ હિંદીમાં ભારત શબ્દ છે એ રીતે અંગ્રેજી અને જર્મન ભાષામાં બે અલગ અલગ શબ્દો છે તેથી મૂળ જર્મન શબ્દનો ડી લઈને ડેક્સિટ કરાયું છે. 

એડીએફની ચેરમેન એલિસ લેસ્બિયન, શ્રીલંકન પ્રોડયુસર સાથે સંબંધો

એડીએફના ચેરમેન તરીકે ટીનો કૃપલ્લા અને એલિસ વેઈડેલ છે. એલિસ વેઈડલ લેસ્બિયન છે. સજાતિય સંબંધો ધરાવતી એલિસ પોતાની પાર્ટનર સારાહ બોસ્સાર્ડ સાથે રહે છે. શ્રીલંકન મૂળની સારાહ ફિલ્મ નિર્માત્રી છે અને સ્વિત્ઝરલેન્ડમાં રહે છે. એલિસ અને સારાહે બે બાળકોને દત્તક લીધાં છે. 

એડીએફની વિચારધારા આક્રમક છે. જર્મનીને ફરી વિશ્વની સૌથી શક્તિશાળી પ્રજા બનાવવાના ઉદ્દેશથી કામ કરતી એડીએફ લોકશાહીમાં નથી માનતી એવા આક્ષેપો થાય છે પણ એલિસની ગણના ઉદારમતવાદી તરીકે થાય છે તેથી એડીએફમાં સૌથી વધારે લોકપ્રિયતા એલિસની છે.

News-Focus

Google NewsGoogle News