ચીનમાં માઇક્રો મૂવીની વધતી જતી લોકપ્રિયતા, સરકારની બાજ નજર
ચીન સરકારે અશ્લીલ અને હલકી કક્ષાની ૨૫૩૦૦ માઇક્રો ડ્રામા મૂવી રદ્ કરી
માઇક્રો મૂવી એક સીરીઝ કે એપિસોડ્સ સ્વરુપે તૈયાર કરવામાં આવે છે
બેઇજિંગ,23 સપ્ટેમ્બર,2024,સોમવાર
ચીનમાં આજકાલ માઇક્રો મૂવીનો ટ્રેન્ડ શરુ થયો છે. આમ તો મૂવી ૨ થી ૩ કલાક સુધીની હોય છે પરંતુ માઇક્રો મૂવી માત્ર ૧ મિનિટની હોય છે. માઇક્રો મૂવી એક સીરીઝ અથવા તો એપિસોડ્સ સ્વરુપે તૈયાર કરવામાં આવે છે. કહાનીમાં વારંવાર રોમાંચક મોડ આવતા હોવાથી દર્શકો નવા એપિસોડની આતૂરતાથી રાહ જોતા રહે છે. ખાસ કરીને આ માઇક્રો મૂવીનું યુવા વર્ગને ઘેલું લાગ્યું છે.
આ સીરીઝનો વિષય રીવેન્જ, ગરીબી અને અમીરી સુધીની સફર અને સંઘર્ષ વધારે હોય છે. ચીનમાં આર્થિક પરિસ્થિતિ તંગ બની રહી છે ત્યારે આ સીરીઝ લોકોને સ્પર્શી રહી છે. કુઆએશૌ નામની એપ પર ૯.૪ કરોડ લોકો રોજ માઇક્રો ડ્રામા જુએ છે. ૨૦૨૪માં ૩૦ અબજ વાર ડાઉન લોડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. માઇક્રો ડ્રામા અમેરિકી બજારમાં પણ ખૂબ લોકપ્રિય થઇ રહયું છે. ચીનમાં માઇક્રો મૂવીનો બિઝનેસ ૫ અબજ ડોલરનો માનવામાં આવે છે. બાઇટ ડાંસ અને કુઆઇશો જેવી મોટી કંપનીઓ પણ આ નાના વર્ટિકલ વીડિયો નિર્માઁણમાં સંકળાયેલી છે.
માઇક્રો ફિલ્મની લોકપ્રિયતા જોતા ચીનની સરકાર તેના વિષય વસ્તુ અને કન્ટેન્ટ પર નજર રાખી રહી છે. ચીન સરકારે અશ્લીલ અને હલકી કક્ષાના ફિલ્માંકન હેઠળની ૨૫૩૦૦ જેટલી માઇક્રો ડ્રામા રદ્ કરવાની ફરજ પાડી છે. પારંપારિક ફિલ્મોની સરખામણીમાં માઇક્રો ફિલ્મ નિર્માણ કરવાનો ખર્ચ ઓછો થાય છે. તેનું બજેટ ભારતીય રુપિયા મુજબ ૨૦ લાખથી માંડીને ૨ કરોડ રુપિયા કરતા વધારે હોતું નથી. કલાકારોને સરળતાથી થોડાક સમયમાં આવક થવા માંડે છે. એક સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કરી શકે છે. લોકપ્રિયતા પણ ખૂબજ ઝડપથી મળે છે. પોતાનું ટેલેન્ટ દર્શાવવાની પણ પૂરતી તક મળે છે.