મહિલાઓની સ્થિતિ આ દેશમાં વધુ કફોડી બને તેવી ભીતિ, તાજેતરમાં જ અહીં સત્તાપલટો થયો હતો
Syria News Updates | સીરિયામાં એક પછી એક કેલિડોસ્કોપિક ઘટનાઓ બની રહી છે. પ્રમુખ અસદ દેશ છોડી રશિયા નાસી ગયા છે. બળવાખોર જૂથોએ કબ્જો જમાવ્યો છે પરંતુ તે બળવાખોરો પૈકી નાનાં નાનાં જૂથો પોતાનો સત્તાવ્યાપ વધારવા અંદરો અંદર પણ ઝઘડી રહ્યા છે, તેથી ત્યાં રહેલ મહિલાઓની સ્થિતિ અત્યંત કરૂણ બની ગઈ છે.
વાસ્તવમાં અત્યારે સીરિયામાં રાજકીય શૂન્યાવકાશ જેવું જ પ્રવર્તે છે. મહિલાઓને પૂરો ન્યાય મળે તેમ નથી કારણ કે આ જૂથો કાં તો અલકાયદાના અંશો સાથે જોડાયેલા છે અથવા આઈએસઆઈએસ જેવાં કટ્ટરવાદી જૂથો સાથે જોડાયેલા છે. તેઓ મૌખિક રીતે તો તે મહિલાઓને આશ્વાસન આપે છે કે આ ક્રાંતિ છે તેમાં સર્વેને સમાન ગણવામાં આવે છે. પરંતુ, પ્રશ્ન તે છે કે આ આશ્વાસનો ટકશે કેટલાં ?
ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેનના દિવસે 25 નવેમ્બર 2024ના દિને સીરીયન નેટવર્ક ફોર હ્યુમન રાઇટસ (એસએનએચઆર) દ્વારા તેનો 13મો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં 13 વર્ષ સુધી ચાલેલાં સીરિયાનાં યુદ્ધ દરમિયાન મહિલાઓની થયેલી કરૂણ સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ ગૃહ યુદ્ધમાં અનેક મહિલાઓ મૃત્યુ પામી હતી. તેઓની કોઈ પણ કાનૂની કાર્યવાહી સિવાય ધરપકડ કરવામાં આવતી. તેઓને પરાણે ગૂમ કરાવી દેવાની હજ્જારો મહિલાઓ તેમનાં કુટુમ્બથી છૂટી પડી ગઈ. તેમની ઉપર બળાત્કારો પણ થતા. ઘણી મહિલાઓ જે તાબે ન થતી તેમની ઉપર અસહ્ય ત્રાસ ગુજારાતો, પરિણામે તેઓ મરી પણ જતી.
આમ આ ગૃહયુદ્ધ 2011માં શરૂ થયું ત્યારથી હજી સુધીમાં 11268 મહિલાઓ ગૂમ કરી દેવાઈ હતી. તે પૈકી 117 મહિલાઓ તો અત્યંત માર પડવાથી મરી ગઈ હતી. આ અહેવાલમાં તેમ પણ કહેવાયું છે કે 11553 જેટલા બળાત્કાર કેસ નોંધાયા છે. 2024માં ગૃહયુદ્ધને પરિણામે ઓછામાં ઓછાં 1951 કુટુમ્બો, બળવાખોરોનાં મથક સમાન સીરિયાનો આ ઉત્તર પશ્ચિમનો ભાગ છોડી બીજે ચાલ્યાં ગયાં છે. તેઓ ઉપર તે સમયના સત્તાધિશો (બશરના અધિકારીઓ)ના ત્રાસથી તેઓનું વતન છોડી ચાલ્યા ગયા છે, તે નાસી જનારીઓમાં 80 ટકા તો મહિલાઓ અને બાળકો છે.
આમ સીરિયામાં અસફ સરકાર હોય કે વિપ્લવીઓ હોય બંને તરફથી મહિલાઓ પીડાઈ રહી છે. અત્યારે વિપ્લવીઓએ તેમણે આશ્વાસન આપેલું છે કે તમે ગભરાશો નહીં, અમે તો ક્રાંતિકારીઓ છીએ, તમોને ત્રાસ નહીં આપીએ પરંતુ, તે આશ્વાસન કેટલું ટકશે તે જોવાનું રહે છે.