વિશ્વભરમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ વધી, અબજોપતિઓની સંપત્તિમાં ધરખમ વધારોઃ રિપોર્ટ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
વિશ્વભરમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ વધી, અબજોપતિઓની સંપત્તિમાં ધરખમ વધારોઃ રિપોર્ટ 1 - image


Growing economic inequality around the world is alarming:  વિશ્વના સૌથી ધનિક 1 ટકા અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા એક દાયકામાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. દુનિયાભરમાં વધી રહેલી આર્થિક અસમાનતા  ચિંતાનો વિષય બની છે. 

આર્થિક અસમાનતા સદીઓથી માનવસમાજમાં વ્યાપક રહી છે. કોઈપણ દેશના સમાજનો એક વર્ગ જે ધનિક છે તે વધુ ને વધુ ધનિક બનતો જાય છે અને ગરીબો વધુ ને વધુ ગરીબીની ખાઈમાં ધકેલાતા જાય છે. રાજા-રજવાડાના જમાનામાં પણ એ જ સિનેરિયો હતો અને આજના આધુનિક જમાનામાં પણ એ જ સ્થિતિ છે. આ જ સંદર્ભમાં માનવ અધિકારો માટે સંઘર્ષરત વૈશ્વિક સંસ્થા ઓક્સફામ (Oxfam) એ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં લખ્યું છે કે, છેલ્લા એક દાયકામાં વિશ્વના સૌથી ધનિક 1 ટકા લોકોએ 42 ટ્રિલિયન ડોલરની કમાણી કરી છે. આ આંકડો ગરીબો દ્વારા સંચિત સંપત્તિ કરતાં લગભગ 36 ગણો વધારે છે. રિપોર્ટમાં સંસ્થાએ લખ્યું છે કે, ‘વિશ્વભરમાં અબજોપતિઓ તેમની સંપત્તિના 0.5 ટકાથી પણ ઓછો ટેક્સ ચૂકવે છે. દુનિયામાં વધી રહેલી આર્થિક અસમાનતા દૂર કરવા માટે G20 રાષ્ટ્રો આગળ આવે અને એમના અતિ શ્રીમંત લોકો પર ઉચ્ચ કર લાગુ કરે.’ 

શું છે ઓક્સફામ? શું છે તેના હેતુ? 

'ઓક્સફામ' નામ ‘ઓક્સફર્ડ કમિટી ફોર ફેમિન રીલિફ’ પરથી આવ્યું છે. 1942માં બ્રિટનમાં સ્થપાયેલી ઓક્સફામ એ 21 સ્વતંત્ર બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)નો સંઘ છે. માનવ અધિકારો માટે કામ કરતી આ સંસ્થાનો હેતુ વૈશ્વિક ગરીબી, ભૂખમરા અને આર્થિક અસમાનતા નાબૂદીનો છે. દુનિયાભરના દેશોમાં એની શાખાઓ કાર્યરત છે. 

શું માંગ કરી ઓક્સફામે?

 બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં યોજાવા જઈ રહેલી આગામી G20 સમિટમાં દુનિયાના અગ્રણી દેશો આર્થિક અસમાનતા દૂર કરવા માટેનો ઠરાવ પસાર કરે અને કુબેરપતિઓ પર ઓછામાં ઓછો 8 % વાર્ષિક નેટ વેલ્થ ટેક્સ નાંખે, એવી માંગ ઓક્સફામે કરી છે. ઓક્સફામનું કહેવું એવું છે કે અબજોપતિની સંતત્તિ આમેય ફાજલ જ પડી રહેતી હોય છે, એના કરતાં એનો ઉપયોગ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર અને ગરીબોનું જીવનધોરણ ઊચું લાવવા માટે કરવામાં આવે. અમીરો પાસેથી ખણખણતા કઢાવીને એમ જ ગરીબોમાં વહેંચી દેવાનો રોબિનહૂડી પ્રસ્તાવ નથી આ. નેટ વેલ્થ ટેક્સ થકી મળનારા ફંડનો ઉપયોગ રાષ્ટ્રોત્થાન માટે વ્યવસ્થિતપણે કરવાની વાત છે. અમીર-ગરીબ વચ્ચે સર્જાયેલી તોતિંગ આર્થિક અસમાનતાને ઓક્સફામે ‘અશ્લીલ’ ગણાવી છે. 

કયા દેશ છે સમર્થનમાં ને કયા વિરોધમાં?

એ તો હકીકત છે કે એક તરફ અમીરો પાસે લખલૂંટ લૂંટાવે તોય નહીં ખૂટે એટલું ધન પડ્યું છે, તો બીજી તરફ દુનિયાની મોટી વસતીને બે ટંકનું ખાવાના પણ ફાંફા છે. એટલેસ્તો અતિ-સમૃદ્ધ લોકો પર વિશેષ કર લાદવાની ભલામણ છાશવારે થતી રહે છે. આ પ્રસ્તાવ કંઈ આજકાલનો નથી; અગાઉ પણ આ પ્રકારની માંગ ઊઠી હતી. અમુક દેશો એ માટે તૈયાર છે તો અમુક નહીં. ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કોલંબિયા અને આફ્રિકન યુનિયન આવા કરની તરફેણમાં છે, જ્યારે અમેરિકા એના સખત વિરોધમાં છે. ભારતે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. અમેરિકા અને ભારત જેવા લોકતાંત્રિક દેશોમાં સરકારો સત્તા ટકાવવા અને ચલાવવા માટે અબજોપતિઓ પાસેથી બેફામ નાણાં મેળવતી હોવાથી એમને સુપર-રિચ પર વધારાનો ટેક્સ નાંખવાનું નહીં પરવડે, એવું બની શકે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ‘ગ્રૂપ ઓફ ટ્વેન્ટી’ (G20) દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તૂર્કી, યુ.કે. અને અમેરિકા એમ 19 દેશો તથા યુરોપિયન યુનિયન સંઘદેશોનો સમાવેશ થાય છે. G20 સભ્યદેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 85 % અને વૈશ્વિક વેપારમાં 75 % ટકા હિસ્સો ધરાવે છે.


Google NewsGoogle News