'નથી જોડાવું અમેરિકામાં, અમારું ભવિષ્ય અમે નક્કી કરીશું', ગ્રીનલેન્ડના લોકોએ ટ્રમ્પને રોકડું પરખાવી દીધું
Greenlanders tell Trump we don't want to join America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા થોડા વખતથી ગ્રીનલેન્ડને અમેરિકામાં સમાવી લેવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. આ ટાપુ દેશ અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ હોવાથી ટ્રમ્પે ડેનમાર્કને ગ્રીનલેન્ડ પરનું નિયંત્રણ છોડી દેવા માટે કહ્યું હતું. આ મુદ્દે ટ્રમ્પ અને ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે ફોન પર ગરમાગરમી પણ થઈ ચૂકી છે. દરમિયાન, 29 જાન્યુઆરી, બુધવારના રોજ ગ્રીનલેન્ડમાં એક લોકમત યોજાયો હતો જેમાં ગ્રીનલેન્ડના બહુમતિ નાગરિકોએ અમેરિકા સાથે જોડાવાનો ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચો : મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ
ફક્ત 6 ટકા લોકોએ અમેરિકામાં ભળી જવાની તૈયારી બતાવી
દસ-વીસ નહીં, ગ્રીનલેન્ડના 85 ટકા લોકોએ ટ્રમ્પના ઈરાદા પર પાણી ફેરવતા હોય એમ અમેરિકામાં સામેલ થવા બાબતે સ્પષ્ટ નકાર ભણી દીધો છે. ત્યાંના ફક્ત 6 ટકા લોકોએ અમેરિકામાં ભળી જવાની તૈયારી બતાવી છે, અને 9 ટકા લોકોએ પોતાનો અભિપ્રાય આપવાનો ઈનકાર કર્યો છે. ગ્રીનલેન્ડની વસ્તી 60 હજારની છે. ડેનિશ અખબાર બર્લિંગસ્કી દ્વારા કરવામાં આવેલા આ સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રીનલેન્ડ તેની સ્વાયત્તતા ગુમાવવા માંગતું નથી.
ગ્રીનલેન્ડ પર હાલમાં ડેનમાર્કનું નિયંત્રણ છે
ગ્રીનલેન્ડ પર હાલમાં ડેનમાર્કનું નિયંત્રણ છે. ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન ગ્રીનલેન્ડની સ્વતંત્રતા જાળવી રાખવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. તેમને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને નાટોના મહાસચિવ માર્ક નટનું સમર્થન પણ છે. આ સર્વેમાં ગ્રીનલેન્ડના લોકોએ ડેનમાર્કના નિયંત્રણમાંથી છૂટીને સંપૂર્ણપણે આઝાદ થવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડે પણ દેશની સ્વતંત્રતા પર સતત ભાર આપી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહી દીધું છે કે તેમનો ટાપુ દેશ વેચાણ માટે નથી, અહીંના નાગરિકો જ નક્કી કરશે કે ગ્રીનલેન્ડનું ભવિષ્ય શું હશે.
આ પણ વાંચો : ટ્રમ્પે ભારતના બે પડોશી દેશને આપ્યો ઝટકો, તમામ આર્થિક સહાયો આપવાની બંધ કરી
ગ્રીનલેન્ડ 1953 સુધી ડેનમાર્કની વસાહત હતો
મહદઅંશે બરફથી ઢંકાયેલો રહેતો ગ્રીનલેન્ડ 1953 સુધી ડેનમાર્કની વસાહત હતો. 2009 થી ત્યાં અર્ધ-સ્વાયત્ત સરકાર છે. સ્થાનિક નીતિઓથી લઈને અન્ય બાબતો સુધી ગ્રીનલેન્ડની સરકાર જ નિર્ણયો લે છે, પરંતુ સંરક્ષણ અને વિદેશી બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર ડેનમાર્કને છે.
ત્યાંની ખનીજ-સમૃદ્ધ ભૂમિ પર પણ અમેરિકાનો ડોળો છે
આર્કટિક વિસ્તારમાં ગ્રીનલેન્ડનું સ્થાન એટલું મોકાનું છે કે એ ટાપુ દેશ અમેરિકાનો હિસ્સો બની જાય તો અમેરિકા યુરોપ, રશિયા અને એશિયા પર ‘બાજ નજર’ રાખી શકે. યુદ્ધ જેવી સ્થિતિમાં તો ગ્રીનલેન્ડને લીધે અમેરિકાનો હાથ ખાસ્સો ઉપર રહે. આ ઉપરાંત ત્યાંની ખનીજ-સમૃદ્ધ ભૂમિ પર પણ અમેરિકાનો ડોળો છે.