ઈઝરાયેલ અને તાઈવાન બાદ ભારતના લોકોને ગ્રીસ પણ કામ કરવા બોલાવવા તૈયાર
image : Twitter
એથેન્સ,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
ઈઝરાયેલ અને તાઈવાન બાદ હવે ભારતીયો માટે ગ્રીસમાં પણ રોજગારની તકો ઉભી થઈ છે.
ગ્રીસમાં 10000 જેટલા ભારતીયોને નોકરી મળી શકે તેમ છે અને બંને દેશો આ માટે કરાર કરવાની કવાયત હાથ ધરી રહ્યા છે. ગ્રીસ પોતાના દેશમાં કર્મચારીઓની ઉભી થયેલી અછતને પહોંચી વળવા માટે ભારત ઉપરાંત જ્યોર્જિયા અને મોલ્દોવાથી લોકોને પોતાના દેશણાં બોલાવવા માંગે છે.
ધ્યાન ખેંચનારી વાત એ છે કે, પાકિસ્તાન પણ ઈચ્છી રહ્યુ છે કે, પોતાના દેશના લોકોને ગ્રીસમાં કામ કરવાનો મોકો મળે પણ ગ્રીસની સરકાર અગાઉના કડવા અનુભવોના કારણે પાકિસ્તાનના લોકોને પોતાના દેશમાં રોજગાર માટે બોલાવવા ઈચ્છુક હોય તેવુ લાગતુ નથી. પાકિસ્તાન સરકાર હજી પણ ગ્રીસ સરકાર સમક્ષ લોબિંગ કરી રહી છે.
ગ્રીસના માઈગ્રેશન મંત્રાલય દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, ભારતમાંથી કર્મચારીઓને ગ્રીસમાં આવવા માટે મંજૂરી આપવાનો કરાર લગભગ નક્કી થઈ ગયો છે. આગામી વર્ષે ગ્રીસના વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોટાકિસ ભારત આવવાના છે ત્યારે આ કરાર પર ક્યારીકોસ મિત્સોટાકિસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તાક્ષર કરે તેવી સંભાવના છે. એ પછી બાકીની ઔપચારિકતા ઝડપથી પૂરી કરી લેવામાં આવશે.
ગ્રીસના માઈગ્રેશન મિનિસ્ટર દિમિત્રીસ કેરિડિસે કહ્યુ છે કે, આ યોજનાના ભાગરુપે ભારત, મોલ્દોવા અને જ્યોર્જિયા એમ દરેક દેશમાંથી 10000 લોકોને કામ કરવા માટે વીઝા આપવાની યોજના છે. ગ્રીસમાં કૃષિ ક્ષેત્રમાં કામ કરનારા લોકોની અછત છે અને અમે ઈચ્છીએ છે કે ,આ દેશના લોકો અહીંયા આવે અને કામ કરે તથા શાંતિની દિંજગી જીવે. અહીંયા આવીને તેઓ ગુનાખોરીના રસ્તે ના જાય. મને આશા છે કે, ઉપરોક્ત ત્રણે દેશોના લોકો માઈગ્રેશન માટે આદર્શ મોડેલ પૂરવાર થશે.
ભારત અને ગ્રીસના સબંધો છેલ્લા કેટલાક સમયથી સુધરી રહ્યા છે અ્ને તેના કારણે હવે ગ્રીસ ભારતના કામદારોને પણ કામ કરવા માટે વિઝા આપવા તૈયાર થયુ છે. ગત વર્ષે પીએમ મોદીએ ગ્રીસની મુલાકાત લીધી હતી. બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર પણ ડબલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુકયા છે.