ગ્રીસના ટુરિસ્ટ આઈલેન્ડ સેન્ટોરિનીમાં ભૂકંપના એક પછી એક તેમ 200 જેટલા હળવા આંચકા
- હજી પણ 5.5 અંક સુધીના આંચકા લાગવાની ભીતિ છે
- સોમવારે લાગેલા આ આંચકા 4.2 જેટલા મંદ હોવા છતાં વારંવાર થતી ધુ્રજારીઓથી લોકો ઘરબાર છોડી ઉદ્યાનોમાં કે ખુલ્લામાં આશ્રય લે છે
એથેન્સ : ગ્રીસના ટુરિસ્ટ આઈલેન્ડ સેન્ટોરિનીમાં રવિ-સોમની રાત્રીએ ૪.૬ જેટલા ભૂકંપના હળવા આંચકા લાગ્યા હોવાથી લોકો ઘરબાર છોડી ખુલ્લામાં કે ઉદ્યાનોમાં આશ્રય લેવા ચાલ્યા ગયા હતા. લોકોએ બાકીની રાત ખુલ્લામાં જ વિતાવી હતી. સવારે કેટલાક વિમાન દ્વારા તો કેટલાક ફેરી-સર્વિસ દ્વારા તે ટાપુ છોડી ચાલ્યા ગયા હતા.
આ પૂર્વે રવિવારે આ ટાપુ ઉપર ૪.૬ જેટલા મેગ્નીટયુડના આંચકા લાગ્યા હતા. રવિવારે બપોરે લાગેલા ધરતીકંપના આ આંચકાઓને લીધે સેન્ટોરિની અને બાજુના ટાપુ એમોર્ગોસ વચ્ચેના જળમાં ઉછાળ આવ્યો હતો.
આ પછી રવિ અને સોમની રાત્રીએ લાગેલા આંચકા પછી ''એન્ટીએસ્મેટિક પ્લાનિંગ એન્ડ પ્રોટેકશન ઑર્ગેનાઈઝેશનના વડા એપ્થીમીયો બેકાસે, ઈ.આર.ટી. પબ્લિક બ્રોડકાસ્ટિંગ સીસ્ટીમ ઉપર જણાવ્યું હતું કે હજી પણ ૫.૫ અંકનો ધરતીકંપ થવાની સંભાવના છે. પરંતુ ૬.૦ અંકથી વધુ મોટો ધરતીકંપ થવાની સંભાવના તો નહીવત્ છે.''
ગ્રીક મીડીયાએ જણાવ્યું હતું કે ઘણાએ લોકોએ ખુલ્લામાં, ઉદ્યાનોમાં કે પોતાની કારોમાં રાત વીતાવી હતી. માત્ર ૧૫૫૦૦ની વસ્તી ધરાવતા આ ટાપુમાં શાળાઓ બંધ રાખવી પડી છે. સત્તાવાળાઓએ લોકોને એક સ્થળે મોટા પ્રમાણમાં એકઠા થવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે તેમજ બંદરો નજીક તથા નબળાં બાંધકામો નજીક પણ નહીં જવા સુચના આપી છે. સ્વીમીંગ પુલો પણ ખાલી કરાયા છે.
આ સેન્ટોરિની ટાપુ એટલો સુંદર છે તેમજ તેની આસપાસનો ભૂરો સમુદ્ર પણ એટલો મોહક છે કે દર વર્ષે અહીં લગભગ ૩૪ લાખ જેટલા પ્રવાસીઓ આવે છે. તેઓના ખર્ચાઓ ટાપુવાસીઓની મુખ્ય આવક છે. પરંતુ વારંવાર થતા ભુકંપના આંચકાઓને લીધે સહેલાણીઓની સંખ્યા ઘટી જવાની આશંકા રહેલી છે.