ઈરાનના ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયકને 3 વર્ષની જેલની સજા, હિજાબ વિરોધી દેખાવકારો માટે ગીત ગાવાનો આરોપ હતો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
ઈરાનના ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયકને 3 વર્ષની જેલની સજા, હિજાબ વિરોધી દેખાવકારો માટે ગીત ગાવાનો આરોપ હતો 1 - image


Image Source: Twitter

તહેરાન, તા. 3 માર્ચ 2024

ઈરાનના ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક શર્વિન હાજીપુરને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

શર્વિનની ભૂલ એ હતી કે, ગત વર્ષે હિજાબ વિરોધી દેખાવમાં તેણે દેખાવકારોના સમર્થનમાં એક ગીત ગાયુ હતુ અને તેના કારણે ઈરાનની સરકાર તેના પર ખફા હતી. એ પછી તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને કોર્ટે ગાયકને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.

કોર્ટે સરકાર સામે દુષ્પ્રચાર કરવાના અને લોકોને દેખાવો કરવા માટે ભડકાવવાના ગાયક શર્વિન પર લાગેલા આરોપોને સાચા ઠેરવ્યા હતા. બીજી તરફ ગાયકે માફી માંગવાનો ઈનકાર કર્યો હતો અને તેના કારણે કોર્ટે આખરે તેમને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

કોર્ટ દ્વારા હાજીપુર પર બે વર્ષ સુધી વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સાથે સાથે અમેરિકામાં પ્રવર્તતી ગુનાખોરી પર એક ગીત બનાવીને તેને ઓનલાઈન પોસ્ટ કરવા માટે પણ આદેશ આપ્યો છે.

શર્વિન હાજીપુરને અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને તેમના ગીત ફોર....માટે ગ્રેમી એવોર્ડ આપ્યો હતો.ગાયકે સોશિયલ મીડિયા પર પોતાને થયેલી સજાની જાણકારી આપી હતી.

હાજીપુરે કહ્યુ હતુ કે, હું ન્યાયાધીશ અને મારી સામે કેસ લડનારા સરકારી વકીલના નામનો ઉલ્લેખ નહીં કરુ. જેથી તેમને કોઈ ધમકી ના મળે.કારણકે મારા માટે માનવતા સૌથી મોટો ધર્મ છે અને તેમાં અપમાન કે ધમકીઓને કોઈ સ્થાન નથી. એક દિવસ એવો આવશે કે અમે એક બીજાને સમજીશું.

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં બે દિવસ પહેલા જ સંસદીય ચૂંટણી માટે મતદાન થયુ છે. ઈરાનમાં હિજાબ વિરોધી દેખાવો બાદ સોશિયલ એક્ટિવિસ્ટ, પત્રકારો, કલાકારો સામે ઈરાનની સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે.


Google NewsGoogle News