Get The App

ઈરાન મિસાઈલ હુમલો કરશે તેવી મોસાદની ચેતવણી બાદ ઈઝરાયેલમાં GPS સેવા બંધ કરાઈ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ઈરાન મિસાઈલ હુમલો કરશે તેવી મોસાદની ચેતવણી બાદ ઈઝરાયેલમાં GPS સેવા બંધ કરાઈ 1 - image


Image Source: Twitter

સીરિયામાં આવેલી ઈરાનની કોન્સ્યુલેટ પર ઈઝરાયેલે એર સ્ટ્રાઈક કર્યા બાદ ઈરાને વળતા હુમલાની ધમકી આપી હોવાથી સમગ્ર દુનિયા અધ્ધર શ્વાસે છે. ઈરાન જો વળતો હુમલો કરે તો મધ્ય પૂર્વના અખાતી દેશો પર યુધ્ધના વાદળો ઘેરાઈ શકે છે.

અમેરિકા પણ ઈઝરાયેલને ચેતવણી આપી ચુકયુ છે કે, ઈરાન બદલો લેવા માટે વળતો હુમલો કરી શકે છે અને હવે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે પણ આ જ પ્રકારની જાણકારી પોતાની સરકારને પૂરી પાડી છે. મોસાદનુ માનવુ છે કે, ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલા માટે લાંબા અંતરની મિસાઈલોનો કે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે.

મોસાદની વોર્નિંગ બાદ ઈઝાયેલમાં ઘણી મહત્વની જગ્યાઓ પર જીપીએસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈઝરાયેલના અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઈરાન હુમલો કરવા માટે બેલેસ્ટિક મિસાઈલો કે ક્રુઝ મિસાઈલો અથવા ડ્રોનનો ઉપયોગ કરશે તેવી ચોક્કસ બાતમી અમારી પાસે છે.

ઈઝરાયેલના અધિકારીઓએ સાથે સાથે એવુ પણ કહ્યુ છે કે, જો ઈરાન પોતાની ધરતી પરથી ઈઝરાયેલ પર કોઈ પણ પ્રકારે હુમલો કરશે તો ઈઝરાયેલ તેના જવાબમાં આકરી કાર્યવાહી કરશે અને અત્યારે હમાસ સાથે ચાલી રહેલા જંગ કરતા પણ વધારે મોટુ યુધ્ધ છેડાઈ શકે છે. અત્યારે ઈઝરાયેલના સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.સૈનિકોની રજાઓ રદ કરવામાં આવી છે.

જીપીએસ સેવાઓ રોકવા પાછળનો એક તર્ક એ પણ છે કે, તેના કારણે મિસાઈલોની ગાઈડન્સ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. મિસાઈલની ગાઈડન્સ સિસ્ટમ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ઘણી વખત જીપીએસની મદદ લેતી હોય છે અને તેના આધારે મિસાઈલ લક્ષ્યાંકને શોધીને આબાદ પ્રહાર કરે છે.

આ કારણોસર ઈઝરાયેલ દ્વારા તેલ અવીવ, જેરુસલેમ તેમજ મધ્ય ઈઝરાયેલના કેટલાક હિસ્સામાં જીપીએસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય એક મોનિટરિંગ વેબસાઈટનો તો દાવો છે કે, સમગ્ર ઈઝરાયેલમાં જીપીએસ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે.

ઈઝરાયેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનની સીરિયા સ્થિત  કોન્સ્યુલેટ તબાહ થઈ ગઈ હતી અને તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ રઝા જાહેદીનુ મોત થયુ હતુ. કુલ મળીને રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ માર્યા ગયા હતા. એ પછી ઈરાને કહ્યુ છે કે, આ હુમલાના જવાબમાં ઈરાન પણ વળતી કાર્યવાહીનો અધિકાર ધરાવે છે.


Google NewsGoogle News