વધુ બાળકો પેદા કરવા જાપાન સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓને મળશે અઠવાડિયામાં 3 દિવસ રજા
Four Day Work Week in Tokyo Amid Low Birth Rate: જન્મ દર સુધારવા માટે જાપાનની રાજધાની ટોક્યોમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. નવા વર્ષથી અહીં ઓફિસમાં કામકાજ માટે 4 દિવસોનો નિયમ લાગુ કરાશે. એટલે કે, લોકોએ હવે અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કામ કરવાનું રહેશે. ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી હતી કે, આવતાં વર્ષે એપ્રિલથી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનું ઓપ્શન આપવામાં આવશે.
જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે, લોકોએ તેમના બાળકોના ઉછેરના કારણે તેમનું કરિયર અધવચ્ચે જ છોડવા માટે મજબૂર થવુ પડતું હતું. બાળકો પેદા ન કરવા પાછળ લોકોનું આ એક કારણ પણ જવાબદાર માનવામાં આવે છે. કેટલાક વર્ષોની સરકારી નીતિઓને કારણે દેશનો પ્રજનન દર નોંધપાત્ર રીતે ખરાબ થયો છે. અને તેમાં સુધારો લાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : '...તો તમારી પણ હાલત એવી જ થશે', સીરિયાની નવી સરકારને ઈઝરાયલના વડાપ્રધાનની ચેતવણી
ગવર્નર કોઈકેએ કહ્યું હતું કે, "આ દરમિયાન અમે કામ કરવાની પદ્ધતિઓમાં સુગમતા લાવશું અને સુનિશ્ચિત કરીશું કે કોઈએ બાળકને જન્મ આપવા અથવા તેની સંભાળ લેવાને કારણે તેમની કારકિર્દી છોડવી ન પડે. આ પહેલ જાપાની યુગલોના બાળકોના જન્મના દરને પ્રોત્સાહિત કરવા માટે છે.
ટોક્યો વહીવટીતંત્રના કહેવા પ્રમાણે, આ યોજના એવા વાલીઓ માટે પણ મદદરૂપ થશે, જેમના બાળકો પ્રાથમિક શાળામાં છે, તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે, જેનાથી તેમના પગારમાં પણ સંતુલિત ઘટાડો થશે.
જાપાન જન્મ દર
ગયા વર્ષે જાપાનમાં માત્ર 727,277 જન્મ નોંધાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અછત દેશના ઓવરટાઇમ વર્ક કલ્ચરનું પરિણામ છે, જે મહિલાઓને કરિયર અને પરિવાર વચ્ચે પસંદગી માટે મજબૂર કરે છે. વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે, જાપાનમાં લિંગ રોજગાર અસમાનતા અન્ય શ્રીમંત રાષ્ટ્રોની તુલનામાં વધુ છે, જેમાં મહિલાઓની ભાગીદારી 55% અને પુરુષોની 72% છે.
ચાર દિવસના વર્ક વીક ફ્રેમવર્ક 2022માં 4 ડે વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે અજમાવવામાં આવ્યું હતું. આમાં સામેલ 90% થી વધુ કર્મચારીઓએ આ શેડ્યૂલ જાળવવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી. સિંગાપોર જેવા અન્ય એશિયન દેશોએ પણ લવચીક કામના કલાકો ઓફર કરવા પર ભાર મૂક્યો છે.