ગૂગલના CEO સુંદર પિચાઈએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, મસ્ક પણ જોડાયા કોન્ફરન્સ કોલમાં
Google CEO: ગૂગલના CEO સુંદર પિચાઈએ તાજેતરમાં જ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની જીત કમલા હેરિસ સામે થઈ હતી અને એ માટે શુભેચ્છા પાઠવવા માટે આ ફોન કર્યો હતો. જોકે, એ ફોનમાં ઇલોન મસ્ક પણ કોનફરન્સ કોલમાં જોડાયા હતા એવી ચર્ચા છે.
ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી
ઇલોન મસ્ક અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે કેમ્પેન પણ કર્યું હતું અને સતત ડોનાલ્ડ ટ્રમ્પની પડખે ઊભા રહ્યા હતા. ઇલેક્શનના રિઝલ્ટની આગલી રાતથી તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હતા અને ઘણા દિવસો સુધી તેમની સાથે રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની સ્પીચમાં ઘણી વાર ઇલોન મસ્કના વખાણ કર્યા છે.
ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વર્સસ ગૂગલ
ગૂગલ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો મતભેદ ઘણાં સમયથી ચાલી આવતો જોવા મળ્યો છે. ઇલોન મસ્કે ગૂગલ પર આરોપ મૂક્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સર્ચ કરો તો પણ કમલા હેરિસના ન્યુઝ આવે છે. આ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે પણ વાંધા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇલેક્શન જીત્યા બાદ દરેક કંપની પર એ વિશે તપાસ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતી ગયા બાદ હવે ગૂગલ પર તવાઈ આવી છે. ગૂગલને ક્રોમ વેબ-બ્રાઉઝર અને એન્ડ્રોઇડ બન્ને વેંચવા માટે મજબૂર કરવામાં આવી શકે છે.
સુંદર પિચાઈનો ફોન
ઇલેક્શનમાં જીત બાદ દુનિયાભરની મોટી મોટી હસ્તીઓએ તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. આ માટે ઘણા દિવસો બાદ સુંદર પિચાઈએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ફોન કોલમાં ઇલોન મસ્ક પણ જોડાયા હતા. સુંદર પિચાઈ માટે આ થોડી સરપ્રાઇઝની વાત હોઈ શકે છે કારણ કે તેમણે એવી આશા નહોતી રાખી. તેમની વચ્ચે શું વાત થઈ એ વધુ રસપ્રદ હોઈ શકે છે. ઇલોન મસ્કના બિન્દાસ સ્વભાવ મુજબ તે થોડા દિવસોમાં એ વિશે જાહેર પણ કરી શકે છે.
આ પણ વાંચો: ગૂગલે ક્રોમ વેચવું પડશે? મૂળ ગુજરાતના પાટણના અમેરિકન જજ અમિત મહેતા લેશે મહત્ત્વનો નિર્ણય
મસ્ક માટે સ્પેશ્યલ કામ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના કેબિનેટમાં મસ્ક અને ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન વિવેક રામસ્વામી માટે એક સ્પેશ્યલ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે, જેનું નામ ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી’ રાખવામાં આવ્યું છે. આ બન્ને મળીને અમેરિકાની સરકારના ડિપાર્ટમેન્ટ કેવી રીતે વધુ સારી રીતે કામ કરી શકશે એ માટે કામ કરશે. તેમ જ સરકારને ખર્ચ ઓછો થાય અને વધુ સારી રીતે કામ કરી શકવાની સાથે ફેડરલ એજન્સીઓને પણ રીસ્ટ્રક્ચર કરશે.