ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પહેલા અમેરિકાથી ગૂડ ન્યૂઝ, ઓહિયોમાં ઓક્ટોબર 'હિન્દુ હેરિટેજ મંથ' જાહેર
Hindu Heritage Month in US | અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા એક સારા સમાચાર છે. અમેરિકાના ઓહાયો રાજ્યએ ઓક્ટોબર મહિનાને હિન્દુ હેરિટેજ મહિનો જાહેર કર્યો છે. ઓહિયોનો આ નિર્ણય સમગ્ર ભારતને ગર્વ અપાવશે. ઉલ્લેખનીય છે કે ઓહિયોના ગવર્નર માઈક ડેવિને અમેરિકન રાજ્યમાં ઓક્ટોબર મહિનાને "હિન્દુ હેરિટેજ મહિનો" તરીકે જાહેર કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે.
કોણ લાવ્યું હતું આ બિલ?
ડેવિન દ્વારા પ્રસ્તાવિત આ બિલ પર રાજ્યના પૂર્વ સેનેટર નીરજ અંતાણીએ પણ હસ્તાક્ષર કર્યા હતા. ગયા વર્ષે તેઓ આ કાયદાના મુખ્ય પ્રાયોજક અને સમર્થક હતા. રાજ્યના અન્ય ઘણા સમુદાયના નેતાઓની હાજરીમાં આ બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મામલે નીરજ અંતાણીએ કહ્યું કે ઓહિયોમાં ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ મહિના તરીકે જાહેર કરવા માટેના આ બિલ પર હસ્તાક્ષર કરવા બદલ હું ગવર્નર ડેવિનનો ખૂબ આભારી છું.
બિલ 90 દિવસમાં અમલમાં આવશે
અંતાણીએ કહ્યું કે ગવર્નર ડેવિનનો ઓહિયોમાં હિન્દુ સમુદાય સાથે લાંબા સમયથી ગાઢ સંબંધ છે અને હું તેમના નેતૃત્વ માટે આભારી છું. બે વર્ષના લાંબા કાર્ય પછી, હું ખૂબ જ ખુશ છું કે હું મારા સમુદાય માટે આ પ્રાપ્ત કરી શક્યો. આ બિલ હવે સત્તાવાર રીતે કાયદો બની ગયું છે અને 90 દિવસમાં અમલમાં આવશે. આ ઓક્ટોબર 2025 થી ઓહાયોનો પ્રથમ સત્તાવાર હિન્દુ હેરિટેજ મહિનો હશે.