Get The App

'કોપ-28માં સારા મિત્રો' : મેલોની, 'મિત્રોને મળવાનું સુખદ હોય છે' : મોદી

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
'કોપ-28માં સારા મિત્રો' : મેલોની,  'મિત્રોને મળવાનું સુખદ હોય છે' : મોદી 1 - image


- ઈન્ટરનેટ પર 'મેલોડી' વાયરલ

- ઈટાલી 'ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર'માં જોડાઈ શકે, ચીનના 'બીઆરઆઈ'માંથી છૂટું થશે

દુબઈ :પીએમ મોદીએ દુબઈમાં બે દિવસની મુલાકાતમાં કોપ-૨૮ સમિટની સાથે ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી. આ સમયે બંને નેતાએ એક સેલ્ફી પણ લીધી. પીએમ મેલોનીએ આ સેલ્ફી સોશિયલ મીડિયા પર શૅર કરી અને પીએમ મોદીએ આ પોસ્ટનો જવાબ આપ્યો. આ સેલ્ફી અત્યારે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ ગઈ છે.

ઈટાલીના પીએમ મેલોનીએ કોપ-૨૮ દરમિયાન લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ઈટાલીના પીએમ મેલોનીએ સેલ્ફી શૅર કરવાની સાથે લખ્યું, 'કોપ-૨૮માં સારા મિત્રો.' ઈટાલીનાં પીએમે તેમની અટક 'મેલોની' અને વડાપ્રધાન મોદીની અટક 'મોદી'ના અક્ષરોને મિક્સ કરીને 'હેશટેગ મેલોડી' પણ લખ્યું હતું. ઈટાલીનાં પીએમ મેલોનીની પોસ્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. તેમણે તેમના સત્તાવાર એક્સ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું છે, 'મિત્રોને મળવું હંમેશા સુખદ હોય છે.'

દુબઈમાં કોપ-૨૮ને સંબોધન કર્યા પછી યુએઈના બે દિવસના પ્રવાસના અંતે વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, 'આભાર, દુબઈ. આ એક ઉત્પાદક કોપ-૨૮ શિખર મંત્રણા રહી છે. આવો આપણે બધા સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતા રહીએ.' તેમણે પોતાના પ્રવાસના અનુભવનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ દુબઈમાં કોપ-૨૮ દરમિયાન બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા, બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમરોન, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર, તૂર્કીના પ્રમુખ તૈયબ એર્દોગન, સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સન અને માલદવીના વડાપ્રધાન મોહમ્મદ મુઈઝ્ઝુ સહિત અન્ય નેતાઓ સાથે પણ બેઠક કરી હતી.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ ઈનિશિયેટીવ'માંથી નીકળી જવા અંગે વિચારણા કરી રહ્યા છે. આ સમાચાર ભારત માટે સારા બની શકે છે, કારણ કે ઈટાલી ચીનના પ્રોજેક્ટમાંથી દૂર થાય તો તે ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર'માં જોડાઈ શકે છે. ભારત અને યુરોપ વચ્ચેનો આ પ્રાચીન વ્યાપારિક માર્ગ હતો.


Google NewsGoogle News