'ગુડ ફ્રેન્ડ' ટ્રમ્પે પીએમ મોદીની મિત્રતાનો મલાજો પણ ના રાખ્યો
પીએમે ટેરિફથી બચવા ટ્રમ્પને રિઝવવા અનેક પ્રયત્નો કર્યા
વડાપ્રધાન મોદીનું બે લાખ કરોડની રાહત, 25 અબજ ડોલરના પેટ્રોલની ખરીદીનું વચન અર્થહીન
ભારત માટે વધારે આઘાતજનક વાત એ છે કે છેલ્લા બે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને રીઝવવા અઢળક રાહતો આપી દીધી છતાં ટ્રમ્પે મોદી ગણતરીમાં જ ના હોય એ રીતે વર્તીને ભારત પર તોતિંગ ટેરિફ લાદી દીધા છે.નરેન્દ્ર મોદી અમેરિકાના ભારતમાં આવતા માલ પર ટેક્સ ઘટાડીને ૨૩ કરોડ ડોલર એટલે કે લગભગ ૨ લાખ કરોડ રૂપિયાની રાહત આપવા તૈયાર છે. આમ છતાં ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદી દીધો છે. મોદીએ ફેબ્રુઆરીથી ટ્રમ્પને રીઝવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. અમેરિકા પાસેથી ભારતે ૨૫ અબજ ડોલરના પેટ્રોલ-ગેસ સહિતની પ્રોડક્ટ લેવાનું વચન આપ્યું છે.
આ ઉપરાંત અમેરિકા ભારતને એફ-૩૫ ફાઇટર વિમાનો આપવા માગે છે તેનો પણ ભારતે સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત ભારતે ડિજિટલ એડ પરનો ૬ ટકા ટેક્સ રદ કર્યો છે, બોર્બોન વ્હિસ્કી ટેરિફ ૧૫૦ ટકાથી ઘટાડીને ૧૦૦ ટકા કર્યો છે, લક્ઝરી કાર અને સોલર સેલ પરની ડયુટી ઘટાડી છે. ઈલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં ઈન્ટરનેટ સેવા માટે મંજૂરી પણ આપી દીધી છે. ભારત સાથે અમેરિકાની ૪૫ અબજ ડોલરની વેપાર ખાધને ઘટાડવા માટે વ્યાપક વેપાર વાટાઘાટો શરૂ કરી છે છતાં અમેરિકાએ મોદીને ધ્યાનમાં નથી લીધા.