"પાછો તારા દેશમાં જતો રહે, ઈન્ડિયન", ઓસ્ટ્રેલિયામાં રેસ્ટોરન્ટ ચલાવતા સિખ વ્યક્તિ પર રંગભેદી ટિપ્પણીઓ
Image Source: Freepik
મેલબોર્ન, તા. 17. નવેમ્બર. 2023 શુક્રવાર
ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં રેસ્ટોરન્ટ ચલાવતા સિખ વ્યક્તિ જરનૈલ સિંહે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા કેટલાક મહિનાથી મારા પર રંગભેદી ટિપ્પણીઓ થઈ રહી છે.મને ભારત પાછા જતા રહેવા માટે કહેવાયુ છે અને મારી કાર પર કુતરાની વિષ્ટા પણ ફેંકવામાં આવી છે.
સિંહે કહ્યુ હતુ કે, આ મામલાની ફરિયાદ કર્યા પછી પણ પોલીસે તપાસ કરવામાં કોઈ ખાસ રસ બતાવ્યો નથી.
ઓસ્ટ્રેલિયટામાં ભારતીય લોકોને ટાર્ગેટ કરવાની આ પહેલી ઘટના નથી.આ પહેલા પણ આવી ઘણી રંગભેદી બનાવ બની ચુકયા છે.ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે જરનૈલ સિંહે કહ્યુ હતુ કે, પહેલા તો મારા ઘરની બહાર કારના હેન્ડર પર સતત પાંચ દિવસ સુધી કુતરાની વિષ્ટા ફેંકવામાં આવી હતી.મારા રસ્તા પરની દિવાલો પર ...પોતાના દેશ પાછો જતો રહે, ઈન્ડિયન....જેવા રંગભેદી સૂત્રો લખવામાં આવ્યા હતા.પોલીસને આ અંગે મેં જાણ કરી હતી પણ પોલીસે વીડિયો પૂરાવા વગર આ મામલાની તપાસમાં કોઈ રસ બતાવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, જરનૈલ સિંહ 15 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તેમાંના 10 વર્ષ તો હોબાર્ટ શહેરમાં રહ્યા છે.
દરમિયાન પોલીસે કહ્યુ છે કે, અમારી તપાસ ચાલુ છે.તેમની સાથે બનેલી રંગભેદી ઘટનાઓનુ લિસ્ટ અમને મળી ચુકયુ છે.