ક્લાઇમેટ ચેન્જ, અમીરો પર ટેક્સ...: G20 સમિટમાં આ પાંચ મુદ્દે સહમત થયા વૈશ્વિક નેતાઓ
Image : X |
In G20 Summit 2024 Global Leaders Agree On Five Issue : બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા દેશના નેતાઓએ ક્લાઇમેટ ચેન્જ, યુક્રેન-રશિયા યુદ્ધ, ગાઝા-ઈઝરાયલ અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમિટ દરમિયાન દુનિયાના અનેક દેશો વચ્ચેના મતભેદો વચ્ચે કેટલીક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. આ G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી હતી.
આબોહવા પરિવર્તન
આ સમિટમાં એવી અપેક્ષા રખાઈ રહી હતી કે G20 દેશના નેતાઓ અઝરબૈજાનમાં અટવાયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ વાર્તાને ફરીથી શરુ કરશે. પરંતુ G20ના અંતિમ ઘોષણાપત્રમાં ક્લાઇમેટ ફાઇનાન્સને ટ્રિલિયન સુધી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પણ અહીં તેમણે એ સ્પષ્ટ કર્યું ન હતું કે આ રૂપિયા ક્યાંથી આવશે? વૈશ્વિક નાગરિક ઝુંબેશ જૂથના સહ-સ્થાપક મિક શેલ્ડ્રિકે જણાવ્યું હતું કે, તેમણે આપણી સામે જે પડકારો છે તેના માટે કોઈ પગલાં લીધાં નથી.
યુક્રેન-રશિયા યુદ્ધ
યુક્રેન યુદ્ધ આ સમિટમાં ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. માત્ર એક દિવસ પહેલાં જ અમેરિકાએ યુક્રેનને આપેલી લાંબા અંતરની મિસાઇલોને રશિયાના પ્રદેશ પર હુમલો કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. રશિયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, જો અમારા પર કોઈ હુમલો થાય છે તો તેની જવાબી કાર્યવાહી કરવા માટે પણ અમે તૈયાર છીએ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રાઝિલ સાથે મળીને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે G20ને યુદ્ધને શાંત કરવા માટે મદદની અપીલ કરી હતી. અંતિમ ઘોષણાપત્રમાં G20 નેતાઓએ કહ્યું હતું કે, યુક્રેનમાં વ્યાપક, ન્યાયસંગત શાંતિને સમર્થન આપતી તમામ રચનાત્મક પહેલોનું અમે સ્વાગત કરીએ છીએ. ગયા વર્ષની G20 સમિટની જેમ, કોઈ પણ દેશ પર બળનો ઉપયોગ કરીને તેના પ્રદેશને અધિગ્રહણ કરવાની નિંદા કરી હતી. પરંતુ અહીં તેમણે રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
ગાઝા અને લેબનોનમાં યુદ્ધવિરામ
ગાઝા અને લેબનોનમાં G20 નેતાઓએ વ્યાપક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુએનના ઠરાવ અનુસાર થવું જોઈએ. જેમાં હમાસને તમામ બંધકોને મુક્ત કરવાના બદલામાં કાયમી યુદ્ધવિરામ માટે કહેવામાં આવ્યું છે. આ સાથે લેબનોનમાં પણ યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી નાગરિકો સરહદની બંને તરફ સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.
વધારે આવક વધારે કર
વધારે આવક ધરાવતા અમીરો પર અસરકારક રીતે વધુ કર લાદવામાં આવે તે વિચારને G20 સમિટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે, તેમાં કર સિદ્ધાંતોની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. બ્રાઝિલની G20 પ્રેસિડન્સી દ્વારા આ મુદ્દા પર અહેવાલ લખવા માટે પસંદ કરાયેલા અર્થશાસ્ત્રી ગેબ્રિયલ ઝુકમૈને આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરી હતી.
ભૂખ સામે વૈશ્વિક એકતા
ભૂખ સામે વૈશ્વિક એકતાનું નિર્માણ કરવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલા ડી સિલ્વાએ પહેલ કરી હતી. આ સમિટની શરુઆત પહેલા આ પહેલ શરુ કરવામાં સફળતા મળી હતી. જેના પર 82 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ્ય ભૂખ સામેની ઝુંબેશને નાણાં આપવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને એકજૂટ કરવાનો છે. તેમનું લક્ષ્ય આ દાયકાના અંત સુધીમાં અડધા અબજ લોકો સુધી પહોંચવાનું છે. ગરીબીમાં ઉછરેલા બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલાએ તેને માનવતાને શરમાવે તેવી કટોકટી ગણાવી હતી.