માથા પર કાચનો દરવાજો પડયો, મહિલાને 250 કરોડ રૂપિયાનુ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
Image Source: Freepik
અમેરિકાની ટોચની કંપની જે પી મોર્ગનની પૂર્વ મહિલા અધિકારીના માથા પર કાચનો દરવાજો પડવાની ઘટનામાં કોર્ટે આ મહિલા અધિકારીને 35 મિલિયન ડોલર એટલે લગભગ 250 કરોડ રૂપિયાનુ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
અમેરિકાના અખબારના અહેવાલ પ્રમાણે 2015માં જે પી મોર્ગનમાં એનાલિસ્ટ તરીકે કામ કરતી 36 વર્ષીય મહિલા મેગન બ્રાઉન ડોકટરની મુલાકાત લઈને પાછી ફરી રહી હતી ત્યારે ઈમારતની લોબીનો 7.5 ફૂટનો કાચનો દરવાજો અચાનક જ મેગન પર પડ્યો હતો અને તેના કાચ તેને માથામાં વાગ્યા હતા.
આ ઘટનાનો જે તે સમયે વિડિયો પણ વાયરલ થયો હતો. જેમાં મેગન પર આ દરવાજો પડતો જોવા મળી રહયો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન મેગને કહ્યુ હતુ કે, મને યાદ છે કે, તે સમયે મારી ચારે તરફ કાચ વેરાયેલા હતા અને હું ફર્શ પર પડી હતી. આસપાસના લોકો મારી મદદ કરી રહ્યા હતા. આ અકસ્માતના કારણે મારા માથા પર ઈજા થઈ હતી. જેના કારણે મને જેપી મોર્ગનમાં એનાલિસ્ટ તરીકેની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. કારણકે માથાની ઈજાના કારણે હું યોગ્ય રીતે નિર્ણયો નહીં લઈ શકતી હોવાનુ કંપનીને લાગ્યુ હતુ. માથાની ઈજાના કારણે મારી યાદશક્તિ નબળી પડી ગઈ હતી. ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા પર પણ અસર પડી હતી.
મેગને કોર્ટને કહ્યુ હતુ કે, ઈજામાંથી સાજી થયા બાદ હું કામ પર પરત ફરી હતી પણ મારુ કામ પહેલા જેવુ નહીં રહ્યુ હોવાથી કંપનીએ 2021માં મારી નોકરી છીનવી લીધી હતી.
દરમિયાન આ ઈમારતના માલિકના વકીલે દલીલ કરી હતી કે આ એક વિચિત્ર અકસ્માત હતો અને તેના પર કોઈનુ નિયંત્રણ નહોતુ. વળતર માટે મેગન બ્રાઉન પોતાની ઈજાને છે તેના કરતા વધારે ગંભીર ગણાવી રહી હોય તેમ લાગે છે.
જોકે જ્યુરીએ મેગન બ્રાઉનની તરફેણમાં ચુકાદો આપીને ઈમારતના માલિકને 35 મિલિયન વળતર આપવાનુ કહ્યુ હતુ. જ્યુરીએ સુનાવણી દરમિયાન વાયરલ થયેલો વિડિયો પણ જોયો હતો. જ્યુરીએ કરેલી ભલામણના આધારે કોર્ટે મહિલાને વળતર ચુકવવા માટે આદેશ આપ્યો છે.