ભારતીય હાઈકમિશનરના અપમાન પર ગ્લાસ્ગો ગુરુદ્વારા કમિટિનો આક્રોશ, ફરી મુલાકાત લેવા આમંત્રણ આપ્યુ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ભારતીય હાઈકમિશનરના અપમાન પર ગ્લાસ્ગો ગુરુદ્વારા કમિટિનો આક્રોશ, ફરી મુલાકાત લેવા આમંત્રણ આપ્યુ 1 - image


Image Source: Twitter

લંડન, તા. 01 ઓક્ટોબર 2023

સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ગુરુદ્વારામાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતના હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા.

આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો અને તેમાં જોઈ શકાય છે કે, દોરાઈસ્વામી ગાડીમાં બેસીને પાછા જતા રહ્યા હતા. આ ઘટના સામે ગ્લાસ્ગો ગુરુ ગ્રંથ સાહિબ ગુરુદ્વારા કમિટિએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

ભારતના એક અખબારના અહેવાલ અનુસાર ગુરુદ્વારા કમિટિએ એક પત્ર લખીને હાઈકમિશનરને કહ્યુ છે કે, જે લોકો વિરોધ કરવામાં સામેલ હતા તે નિયમિત રીતે અહીંયા આવતા નથી. તેઓ અમારા માટે પણ અજાણ્યા છે .

કમિટિએ તેમને ફરી ગુરુદ્વારાની મુલાકાત લેવા માટે અનુરોધ કરીને કહ્યુ છે કે, ગુરુદ્વારાના દરવાજા દરેક માટે ખુલ્લા છે. દરમિયાન વિરોધ કરનારા પૈકી બેની ઓળખ શમશેર સિંહ અને રણવીર સિંહ તરીકે થઈ છે. બંને લંડનના રહેવાસી છે. રણવીર સિંહની બ્બર ખાલસાના આતંકી જગતાર સિંહ હવારાની મુક્તિની માંગ કરતી ટી શર્ટ પહેરી હોય તેવી એક તસવીર પણ સામે આવી છે. હવારા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિયંત સિંહની હત્યામાં સંડોવાયેલો છે.

ભારતના હાઈ કમિશનર આ પહેલા ચાર ગુરુદ્વારાની મુલાકાત લઈ ચુકયા છે. ભારતીય હાઈકમિશનર ગ્લાસ્ગો ગુરુદ્વારા જવાના છે તે અંગે પોલીસને અને બ્રિટિશ ગુપ્તચર એજન્સીને પહેલા જ જાણ કરવામાં આવી હતી. આમ છતા ખાલિસ્તાનીઓએ ત્યાં ઉત્પાત કેવી રીતે મચાવ્યો તે સવાલ હેરાન કરી રહ્યો છે.


Google NewsGoogle News