અમોને તક આપો : ફરિયાદ કરવાનું નહીં રહે, ઢાકેશ્વરી મંદિરમાં યુનુસ પહોંચ્યા, હિન્દુઓને મળ્યા
- બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓ સામે સતત થઇ રહેલી હિંસા વચ્ચે યુનુસ ઢાકેશ્વરી મંદિરે ગયા કહ્યું દેશમાં દરેક માટે સમાન અધિકાર છે
ઢાકા : બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ આજે ઢાકાનાં આરાધ્ય દેવી ઢાકેશ્વરીનાં મંદિરે ગયા હતા, અને ત્યાં એકત્રિત થયેલા હિન્દુઓને આશ્વસ્ત કરતાં કહ્યું હતું કે અમોને તક આપો, તમારે ફરિયાદ કરવાનું કોઈ કારણ જ નહીં રહે. આપણા દેશમાં સૌને માટે સમાન અધિકાર છે.
છેલ્લા કેટલાયે સપ્તાહોથી બાંગ્લાદેસમાં હિન્દુઓ ઉપર સતત થઇ રહેલા હુમલાઓ મહાપ્રયત્ને કાબુમાં આવ્યા છે. તેવે સમયે ઢાકાનાં કૂળદેવી ઢાકેશ્વરી માતાનાં મંદિરે આરતી સમયે એકત્રિત થયેલા હિન્દુઓને મળવા આ નોબેલ વિજેતા ઢાકેશ્વરી મંદિરે ખાસ ગયા હતા. આ મંદિર દેશનું રાષ્ટ્રીય મંદિર માનવામાં આવે છે. મંગળવારે આ મંદિરે પહોંચેલા યુનુસે સૌને ધૈર્ય રાખવાનું પણ કહ્યું હતું.
હિન્દુઓ સાથેની વાતચીતમાં પ્રોફેસર યુનુસે કહ્યું : અહીં સૌને માટે સમાન અધિકાર છે. આપણે બધા એક જ છીએ, અને આપણી પાસે એક અધિકાર છે. આપણી વચ્ચે કોઈ ભેદભાવ ન કરે. અમોને સહાય કરો. ધૈર્ય રાખો, સમજી વિચારીને નિર્ણય લો કે અમે શું કરી શક્યા છીએ, શું કરી શક્યા નથી. જો અમે અસફળ રહીએ તો અમારી આલોચના પણ કરો.
મોહમ્મદ યુનુસે વધુમાં કહ્યું : આપણી લોકતાંત્રિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે આપણે મુસ્લીમ, હિન્દુ, ખ્રિસ્તી કે બૌદ્ધ તરીકે નહીં પરંતુ એક ઇન્સાન તરીકે સાથે આવવું જોઇએ. દરેકના અધિકારો સુનિશ્ચિત કરવા પડે. વાસ્તવમાં સંસ્થાગત વ્યવસ્થામાં બર્બાદ થવાને લીધે જ આ બધી સમસ્યાઓ ઉભી થઈ છે. તે દૂર કરવાની જરૂર છે.
આ સમેય મંદિર પ્રબંધન બોર્ડના અધિકારીઓ, તથા હિન્દુ અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. યુનુસે તેમની સાથે પણ વાતચીત કરી. પ્રોફેસર યુનુસની સાથે, કાનૂની સલાહકાર આસીફ નઝરૂલ ધાર્મિક બાબતોના સલાહકાર ખાલીદ હુસૈન ઉપરાંત પૂજા ઉદ્યોગ પરિષદના અધ્યક્ષ વાસુદેવ ધર તથા મહામંત્રી સંતોષ શર્મા ઉપસ્થિત હતા. વાસુદેવ ધરે મંદિરે આવવા માટે પ્રો. યુનુસનો આભાર માન્યો હતો.