હિજાબના વિરોધમાં નિર્વસ્ત્ર થઇને દેખાવો કરનારી વિદ્યાર્થીની ગુમ! ઈરાનમાં ચર્ચાનો વિષય બની
Iran Hijab Protest News | ઇરાનમાં મહિલાઓ પર બળજબરીથી થોપવામાં આવેલા હિજાબનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે આ વિરોધમાં હાલ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અહીંની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીના કેમ્પસમાં હિજાબના વિરોધમાં એક યુવતીએ આંતરવસ્ત્રો પહેરીને વિરોધ નોંધાવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો. દરમિયાન આ યુવતી હાલ ગાયબ હોવાના અહેવાલો છે.
યુવતીની તસવીર અને વીડિયો વાયરલ થયા બાદ ઇરાની મહિલાઓમાં પણ હિમ્મત વધી છે. ઇરાની પત્રકાર મસીહ અલીનેઝાદે ટ્વીટર પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે પોલીસે યૂનિવર્સિટીમાં વિદ્યાર્થિનીને હિજાબ મુદ્દે ખૂબ પરેશાન કરી હતી, જોકે યુવતીએ ઝૂકવાની ના પાડી દીધી હતી અને પોતાના શરીરને જ વિરોધ માટેનું હથિયાર બનાવ્યું હતું. તેણે પોતાના કપડા ઉતારી નાખ્યા અને કેમ્પસમાં માર્ચ કરી હતી, આ યુવતીએ એક એવી જડ વ્યવસ્થાને પડકાર ફેંક્યો જે મહિલાઓના શરીરને નિયંત્રિત કરી રહી છે. યુવતીનું આ પગલુ ઇરાનની મહિલાઓની આઝાદી માટે એક શક્તિશાળી યાદ સાબિત થશે.
બીજી તરફ સોશિયલ મીડિયા પર યુવતીએ માત્ર આંતર વસ્ત્રોમાં માર્ચ કાઢી તેનો વીડિયો વાયરલ થયા બાદ હાલ આ યુવતી ક્યાં છે તેને લઇને કોઇ જ માહિતી સામે નથી આવી, એવા અહેવાલો છે કે આ યુવતીને ઇરાનની પોલીસ પકડીને લઇ ગઇ હોઇ શકે છે જોકે તેને ક્યાં રાખવામાં આવી છે તે અંગે પણ કોઇ જ માહિતી જાહેર કરાઇ નથી. ઇરાનમાં મહિલાઓ માટે કટ્ટર નિયમો લાગુ કરાયા છે, જાહેરમાં મહિલા હિજાબ ના પહેરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે, માત્ર મહિલાઓ પર નજર રાખવા માટે જ વિશેષ પોલીસ તૈનાત કરાઇ છે. અગાઉ હિજાબનો વિરોધ કરી રહેલી એક મહિલા એક્ટિવિસ્ટનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યા બાદ સમગ્ર ઇરાનમાં મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. જે બાદ ફાટી નિકળેલી હિંસામાં અનેક લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન મહિલાઓએ પોતાના વાળ પણ કાપીને વિરોધ કર્યો હતો હવે આ યુવતીએ પોતાના કપડા ઉતારીને કટ્ટર શાસકોને ખુલ્લો પડકાર ફેંક્યો છે.