નોકરીથી કાઢી મૂકાયા બાદ એક વીડિયોએ આ છોકરીનું નસીબ બદલી નાંખ્યું, જોબ ઓફર્સનો સર્જાયો ખડકલો
ફક્ત 1.42 મિનિટના આ વીડિયોનું આખી દુનિયાની કંપનીઓએ ધ્યાન ખેંચ્યું
Image Social Media |
આ છોકરીને નોકરી માટે દુનિયામાં લાખો યુવાનોની જેમ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વળી, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી અને તેથી તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. આ કારણસર તેણે 1.42 મિનિટનો એક વીડિયો બનાવ્યો, જેણે તેનું નસીબ બદલી નાંખ્યું. સ્પેનના મેડ્રિડની રહેવાસી એવી આ છોકરીનું નામ છે, માર્તા પ્યુર્ટો. 29 વર્ષીય માર્તાએ એક બાયોડેટા તૈયાર કરીને પોતાને ઈન્ટ્રોડ્યુસ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો. તેણે વિચાર્યું કે હવે મારે મારી વાત કહેવા દુનિયા સામે કંઈક અલગ જ અંદાજમાં આવવી જોઈએ. છેવટે સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ કરતાં જ માર્તાને અનેક ઈન્ટરવ્યૂ કૉલ્સ આવવા લાગ્યા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 88 હજારથી વધુ લાઈક
વ્યવસાયે માર્કેટિંગ મેનેજર માર્તાએ માર્કેટિંગના અનુભવના આધારે પોતાનું જ માર્કેટિંગ શરુ કરી દીધું. તેણે પોતાના નોકરીના અનુભવ વિશે લિંક્ડઈન પર એક વીડિયો શેર કર્યો, જેને 88 હજારથી વધુ લાઈક મળી. આ દરમિયાન સેંકડો કંપનીઓના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું પણ તેના પર ધ્યાન પડ્યું. આ વીડિયોમાં માર્તા કહે છે કે, ‘હવે અનેક કંપનીઓમાંથી ઈન્ટરવ્યુ માટે મને ઘણાં કૉલ આવે છે. મારા પ્લેટફોર્મ પર 5000થી વધારે લોકોની રિકવેસ્ટ આવી છે. મેં વિચાર્યું હતું કે 100-200 લાઈક આવશે, પરંતુ હવે મને મારા જૂના એમ્પ્લોયર તરફથી પણ જોડાવા માટે રિક્વેસ્ટ આવી છે. પહેલા તેમણે મને ના પાડી હતી, પરંતુ હવે તેઓ મને બોલાવી રહ્યા છે.’
હકાલપટ્ટી પછી વીડિયો પોસ્ટ કરવાનું વિચાર્યું
માર્તાને ગયા વર્ષે ઓક્ટોબરમાં ફિનટેક કંપની 'જોલો'માંથી કાઢી મૂકાઈ હતી. ત્યાર બાદ માર્તાએ અનેક અરજીઓ કરી, પરંતુ તેના જવાબમાં મોટાભાગના ઓટોમેટિક ઈમેલ મળતાં હતા અને તેથી આગળની પ્રક્રિયા પર પહોચવું મુશ્કેલ હતું. આ કારણસર માર્તાએ એક વીડિયો શેર કર્યો હતો. તેની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘માર્તાને મળો, ધ મૂવી’ એટલે કે Met Marta, The Movie. હવે તેની પાસે નોકરી માટે એટલી બધી ઓફર આવી છે કે, તે દરેક મેલ જોઈ પણ શકતી નથી.’