Get The App

ઈટાલીના વડાપ્રધાને ટ્રમ્પના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘તેમની સાથે લડવાથી કોઈ ફાયદો નથી’

Updated: Mar 19th, 2025


Google News
Google News
ઈટાલીના વડાપ્રધાને ટ્રમ્પના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘તેમની સાથે લડવાથી કોઈ ફાયદો નથી’ 1 - image


Georgia Meloni Italy Fans Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, ભારત, ચીન સહિત અનેક દેશો સાથે ટેરિફ વૉર (Tariff War) છંછેડી ખળભળાટ મચાવી દીધો છે, જેના કારણે વિશ્વભરમાં તેમની ટીકા થઈ રહ્યા છે, ત્યારે ઈટાલીના વડાપ્રધાન જૉર્જિયા મેલોનીએ ટ્રમ્પના ભરપુર વખાણ કર્યા છે. મેલોનીએ બુધવારે સંસદમાં યુદ્ધ, શાંતિ સમજૂતી અને ટેરિફ મુદ્દે લગભગ એક કલાક ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે ટ્રમ્પની નીતિના વખાણ કર્યા છે.

મેલોનીએ સંસદમાં ટ્રમ્પના કર્યા વખાણ

ઍસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ, મેલોનીએ કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી કામગીરી વખાણવા લાયક છે. ટ્રમ્પે બે મહિના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. જોકે તેમણે ખુરશી સંભાળતાની સાથે જ આખા યુરોપને અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. અમેરિકાના નિર્ણયનો પ્રભાવ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે.’ તેમણે સંસદમાં કહ્યું કે, ‘ટ્રમ્પ સાથે લડવાથી કોઈ ફાયદો નથી. ઈટાલી યુરોપના ટ્રેપમાં ફસાશે નહીં. અમે ખુદ અમારો રસ્તો કાઢી લઈશું.’

‘ટ્રમ્પ જે કરી રહ્યા છે, તે યોગ્ય છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘યુક્રેન અને રશિયા વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં લાખો લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં આપણું કામ બંને દેશો વચ્ચે આગ લગાડવાનું નહીં, પરંતુ શાંતિ સ્થાપવાનું છે. ટ્રમ્પ જે કરી રહ્યા છે, તે યોગ્ય છે. અમે તેમની સાથે છીએ.’

આ પણ વાંચો : પુતિને ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કર્યાની ચર્ચા, ફોન કોલ પર 1 કલાક સુધી રાહ જોવડાવી

મેલોનીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડાપ્રધાનની કરી ટીકા

ભાષણ દરમિયાન મેલોનીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો (France President Emmanuel Macron) અને બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર(UK PM Keir Starmer)ની ટીકા કરી કહ્યું કે, બંને નેતાઓ શાંતિ સૈનિકો મોકલી યુદ્ધ વધારી રહ્યા છે. તેમના આ નિર્ણયના કારણે યુરોપ વધુ બરબાદ થઈ જશે. સૈનિકો મોકલવા અસરકારક રણનીતિ નથી.

અમે અમેરિકા સાથે વેપાર યુદ્ધ નહીં કરીએ : મેલોની

મેલોનીએ કહ્યું કે, ‘અમે નિર્ણય લીધો છે કે, અમે અમેરિકા સાથે વેપાર યુદ્ધ નહીં કરીએ. અમે અમેરિકા સાથે વાતચીત કરીને તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશું. ટેરિફ સામે ટેરિફ ઝીંકવાથી વાત નહીં બને. તમામ લોકોએ સમજવું પડશે કે, વાતચીતનો કોઈ વિકલ્પ નથી.’

મેલોનીએ અનેક વખત ટ્રમ્પના વખાણ કર્યા

ઉલ્લેખનીય છે કે, મેલોની અનેક વખત ટ્રમ્પના વખાણ કરી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે, ટ્રમ્પની જીતના કારણે વામપંથીઓ ગભરાઈ ગયા છે. વામપંથીઓ ટ્રમ્પની જીતનો સ્વીકાર કરી શકતા નથી. જ્યારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, ત્યારે મેલોની પણ ત્યાં ગયા હતા. 

આ પણ વાંચો : અંતરિક્ષમાં 3 મહિનામાં જ ભોજન પતી ગયું હતું... તો સુનિતા વિલિયમ્સ શું ખાઈને જીવીત રહ્યાં?

Tags :
Tariff-WarGiorgia-MeloniDonald-TrumpEmmanuel-MacronKeir-Starmer

Google News
Google News