'પ્રમોશન જોઈતું હોય તો હેરકટ કરો, સારું બ્લાઉઝ પહેરીને આવો!'
જર્મનીની મહિલાને બોસે આદેશ આપ્યો
જુદા પ્રકારની હેરસ્ટાઈલ અને ટેટુના શોખના કારણે ઓફિસમાં ભેદભાવ થતો હોવાની મહિલાની ફરિયાદ
જર્મનીની ૩૯ વર્ષની મહિલા ક્રિસ્ટિના ડેનવરે દાવો કર્યો હતો કે તેની જુદી હેરસ્ટાઈલ અને ટેટુઝના કારણે ઓફિસમાં તેની સાથે ભેદભાવ થાય છે. બોસે તેને કહ્યું હતું કે હેર કટ કરાવીને ઓફિસમાં આવો અને સારું બ્લાઈઝ પહેરો તો જ પ્રમોશન મળશે.
જર્મનીની મહિલા ક્રિસ્ટિના ડેનવરે તેના શરીર પર અસંખ્ય ટેટુ ચિતરાવ્યાં છે. એટલું જ નહીં, તે જુદા પ્રકારની હેરસ્ટાઈલ બનાવે છે. બોલ્ડ લૂક આપે એવા કપડાં પહેરવાનું પસંદ કરે છે. દેખાવ અને પહેરવેશના કારણે તેની સાથે ભેદભાવ થાય છે એવી ફરિયાદ મહિલાએ કરી હતી.
ક્રિસ્ટિનાના કહેવા પ્રમાણે તેના બોસે પ્રમોશનમાં તેની સાથે ભેદભાવ કર્યો હતો. પ્રમોશન માટે બોસને પૂછ્યું તો જવાબ મળ્યોઃ સારું બ્લાઉઝ પહેરીને આવો, હેરકટ કરો તો પ્રમોશન મળશે. બોસની આવી સલાહ પછી ક્રિસ્ટિનાએ કંપનીના જુદા વિભાગમાં નોકરી શરૃ કરી દીધી હતી. ક્રિસ્ટિના એ વિભાગમાં પ્રમોશન મેળવીને હવે જૂના બોસની પણ ઉપરી બની ગઈ છે.
આ મહિલાએ કહ્યું હતું કે તે જ્યારે ૯ વર્ષની હતી ત્યારથી ટેટૂનો શોખ ધરાવે છે. અત્યાર સુધીમાં બોડી મોડિફિકેશન પાછળ તે ૨૫ લાખ રૃપિયા ખર્ચી ચૂકી છે. તેને અલગ અલગ પ્રકારના ટેટૂ કરવા ગમે છે અને બોલ્ડ લૂક માટે ડિફરન્ટ હેરસ્ટાઈલ બનાવવી ગમે છે. તેના આ શોખમાં તેના પતિનો પણ પૂરો સપોર્ટ મળે છે.