જર્મનીમાં એક વ્યક્તિએ કોરોના વેક્સીનના 217 ડોઝ લીધા, શરીર પર થયેલી અસરથી સંશોધકો પણ હેરાન
image : Twitter
બર્લિન,તા.06 માર્ચ 2024,બુધવાર
જર્મનીમાં રહેતા 62 વર્ષીય વ્યક્તિએ કોરોના વેક્સીનના એક બે નહીં પણ 217 ડોઝ લીધા હોવાના કિસ્સાએ લોકોને હેરાન કરી દીધા છે.
સૌથી મહત્વની વાત એ છે કે, આટલા ડોઝ શરીરમાં ગયા પછી પણ તેની કોઈ આડઅસર જોવા મળી નથી. મેડિકલ ક્ષેત્રની એક પ્રતિષ્ઠિત જર્નલમાં આ કેસ સ્ટડી પ્રકાશિત થયો છે. જોકે આ મામલો માત્ર એક વ્યક્તિ સાથે જોડાયેલો છે અને તેને તમામ લોકો સાથે જોડીને જોઈ શકાય નહીં.
આ કેસ સ્ટડીના કો ઓથર કિલિયન સ્કોબરે કહ્યુ હતુ કે, એક મીડિયા રિપોર્ટ થકી અમને આ વ્યક્તિની ખબર પડી હતી. સરકારે તો તેની સામે છેતરપિંડીની તપાસ શરુ કરી હતી. તપાસમાં બહાર આવ્યુ હતુ કે, તેણે નવ મહિનામાં વેક્સીનના 130 જેટલા ડોઝ લીધા હતા. જોકે તેની પર કોઈ ગુનાઈત આરોપ મુકવામાં નહોતા આવ્યા.
સ્કોબરે કહ્યુ હતુ કે, આ વ્યક્તિનો અમે સંપર્ક કર્યો હતો અને તેને સંખ્યાબંધ પ્રકારના મેડિકલ ચેક અપ કરાવવા માટે તૈયાર કર્યો હતો. આ દરમિયાન વ્યક્તિએ બીજા 68 ડોઝ લીધા હોવાની પણ કબૂલાત અમારી સમક્ષ કરી હતી અને તેમાંથી આઠ ડોઝ તો અલગ અલગ વેક્સીનના કે પછી અપડેટ કરાયેલા ફોર્મ્યુલાવાળી વેક્સીનના હતા.
સંશોધકોના કહેવા પ્રમાણે આ વ્યક્તિના શરીરની રોગ પ્રતિકારક શક્તિની સરખામણી બીજા 29 લોકોની રોગ પ્રતિકારક શક્તિ સાથે કરવામાં આવી હતી. આ એવા લોકો હતા જેમણે નિયમ પ્રમાણે વેક્સીનના ત્રણ ડોઝ લીધા હતા. જોકે 217 ડોઝ લેનાર વ્યક્તિના શરીરમાં વેક્સીનની આડઅસર જોવા મળી નહોતી. બીજા લોકો જેવી જ તેની રોગ પ્રતિકારક શક્તિ રહી હતી.
જાણકારોનુ કહેવુ છે કે, વેક્સીનના વધારે પડતા ડોઝ લેવામાં આવે તો તેની ઉલટી અસર થતી હોય છે અને વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જતી હોય છે પણ આ કિસ્સામાં વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા પર કોઈ ખાસ અસર પડી હોય તેવુ જોવા મળ્યુ નહોતુ.