જર્મનીને હવે ટ્રમ્પના અમેરિકા પર ભરોસો નથી, ન્યૂયોર્કના વૉલ્ટમાં રાખેલું સોનું પરત માંગી લેવા માટે ગંભીર
Gold Reserves in US: સત્તા પર આવ્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રકારની રાજ-રમત રમી રહ્યા છે, એ કોઈની સમજમાં આવે એમ નથી. તેમણે રશિયા જેવા જૂગજૂના દુશ્મન સાથે બુચ્ચા કરી લીધા છે અને યુરોપિયન યુનિયનના ભરોસેમંદ સાથી દેશો સામે ઉફરા ચાલવા લાગ્યા છે. તેમની નીતિઓએ વાતાવરણ એ હદે ડહોળી નાંખ્યું છે કે યુરોપના દેશોને હવે ‘ટ્રમ્પનું અમેરિકા’ વિશ્વાસપાત્ર લાગતું નથી. એટલી હદે કે જર્મની તો ન્યૂયોર્કના ગોલ્ડ વોલ્ટમાં રાખેલું પોતાનું સોનું પરત માંગી લેવા બાબતે ગંભીરતાથી વિચારી રહ્યું છે.
અમેરિકામાં સંઘરાયેલો સુવર્ણ ભંડાર કેવો છે?
અમેરિકાના ન્યૂયોર્કમાં મેનહટન ખાતે ‘ફેડરલ રિઝર્વ બેંક’ના મકાનમાં સોનાનો મબલખ ભંડાર સંઘરાયેલો પડ્યો છે. બેંકની અંદર ચુસ્ત સુરક્ષા ધરાવતો ગોલ્ડ વોલ્ટ બનાવવામાં આવ્યો છે, જેની અંદર દુનિયાના અનેક દેશોએ પોતાનો અનામત સુવર્ણ ભંડાર જમા કરાવી રાખ્યો છે. જમીનથી 80 ફૂટ (24 મીટર) નીચે બનેલા આ વોલ્ટમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર પડ્યો છે. 2024 ના આંકડા મુજબ સોનાની 507,000 ઈંટો રૂપે અહીં 6,331 મેટ્રિક ટન સોનું સચવાયેલું છે.
જર્મની શા માટે પોતાનું સોનું પરત લેવા માંગે છે?
અમેરિકાની વિદેશ નીતિઓને લીધે વિશ્વમાં જે અનિશ્ચિતતા સર્જાઈ છે, ટ્રેરિફના ટેરરને કારણે શેરમાર્કેટો જે રીતે ધબાય નમઃ થયા છે, એ જોતાં આગામી સમય વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કપરો નીવડી શકે એમ છે. રશિયા સાથે ભાઈબંધી કરવામાં પડેલા ટ્રમ્પ યુરોપના જૂના સાથી દેશોને ધમકી આપવા લાગ્યા છે. તેમણે અમેરિકાને નાટોમાંથી અલગ કરી લેવાની વાત પણ કરી છે. ટ્રમ્પનો મૂડ ગમે તે મુદ્દે ગમે ત્યારે બદલાઈ જતો હોવાથી જર્મનીને હવે અમેરિકા અગાઉ જેટલું વિશ્વાસપાત્ર જણાતું નથી. જર્મન નેતાઓને ડર છે કે જો આવતીકાલે અમેરિકા તેમનું સોનું પરત કરવાનો ઈનકાર કરશે, તો શું થશે? નેતાઓ ઉપરાંત જર્મનીની સેન્ટ્રલ બેંક પણ એવો મત પ્રગટ કરવા લાગી છે કે વિશ્વ મંદીના ભરડામાં સપડાય અને બાજી બગડે એ પહેલાં જર્મનીએ પોતાનું સોનું પરત મેળવી લેવું જોઈએ. જર્મની પોતે એક મજબૂત દેશ હોવાથી તે પોતાના સોનાની સુરક્ષા કરવા સક્ષમ છે જ.
દુનિયાના અનેક દેશોએ અમેરિકાને પોતાનું સોનું સોંપી રાખ્યું છે
ફક્ત જર્મની જ નહીં, દુનિયાના અનેક દેશોએ તેમનો અનામત સુવર્ણ ભંડાર અમેરિકાને સોંપી રાખ્યો છે. એમાં ભારત પણ આવી જાય છે. ત્યારે સવાલ એ થાય કે આટલો મોટો રાષ્ટ્રીય ખજાનો કોઈ દેશ પોતાની તિજોરીમાં રાખવાને બદલે અમેરિકાને શા માટે આપે?
વેપાર વિનિમય સરળ બને છે
દુનિયાના દેશો વચ્ચે રોજેરોજ કરોડો ડોલરનો વ્યાપાર થતો હોય છે. વ્યાપાર એટલો તગડો હોય છે કે કરન્સી નોટના પહાડ ખડકવા પડે. એટલી બધી નોટ છાપવાનો ખર્ચ ન કરવા માટે માલસામાનના ખરીદ-વેચાણના બદલામાં સોનાની પાટોની આપ-લે કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. સોનાની પાટો એક દેશમાંથી બીજા દેશમાં મોકલવાનું ખર્ચાળ પડે. લૂંટાઈ જવાનું જોખમ પણ ખરું. એટલે એવી પાટો એક સ્થળે હોય તો વેપાર વિનિમય સરળ બને. ન્યૂયોર્કની ફેડરલ રિઝર્વ બેંકમાં પ્રત્યેક દેશનું અલગ લોકર હોય છે. સોનાની પાટો એક દેશના લોકરમાંથી બીજા દેશના લોકરમાં ખસેડવામાં આવે છે અને એનો રેકોર્ડ કાગળ પર નોંધવામાં આવે છે. આ વ્યવસ્થા સૌથી સલામત અને સરળ હોવાથી સૌને અનુકૂળ બની ગઈ છે.
અમેરિકાની શાખ અને સૈન્ય શક્તિ પણ કારણભૂત છે
અમેરિકાએ વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે એક શાખ ઊભી કરી હોવાથી અન્ય દેશોને પોતાનું સોનું અમેરિકામાં રાખવામાં સલામતી જણાય છે. અમેરિકાની સૈન્યશક્તિ વિશ્વમાં સૌથી તાકતવર હોવાથી વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ તો પણ સોનાને આંચ ન આવે, એટલી જડબેસલાક એની સુરક્ષા વ્યવસ્થા છે.
અમેરિકન લોકરમાં સોનું ક્યારથી રાખવાનું શરૂ થયું?
બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના દેશો પાયમાલ થઈ ગયા હતા. જીતવા છતાં રશિયાને પણ બહુ મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સમૃદ્ધ દેશો પૈકીના એકમાત્ર અમેરિકામાં જ યુદ્ધની અસરો સૌથી ઓછી જોવા મળી હતી. યુદ્ધ પતી ગયા બાદ પણ યુરોપના દેશોને ડર હતો કે રશિયા યુરોપના દેશો સામે નવું યુદ્ધ છેડી શકે એમ છે. એમ થાય તો તેમની સંપત્તિ જોખમમાં મુકાઈ જાય. આવી સ્થિતિમાં યુરોપના દેશોને તેમનું સોનું કોઈ સુરક્ષિત દેશમાં રાખવાની જરૂરત અનુભવાઈ. એ સમયે અમેરિકા વિશ્વની સૌથી મજબૂત મહાસત્તા તરીકે ઊભરી આવ્યું હોવાથી જર્મની સહિત યુરોપના દેશોએ પોતાનું અનામત સોનું ન્યૂયોર્કની બેંકમાં રાખવાનું શરૂ કર્યું હતું.
સોનાના અનામત ભંડારમાં જર્મની કયા ક્રમે છે?
જર્મની પાસે લગભગ 3400 ટન સુવર્ણ ભંડાર છે. આ બાબતે તે અમેરિકા પછી બીજા ક્રમે આવે છે. લગભગ એક દાયકા પહેલા સુધી તેનો મોટોભાગ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં રાખવામાં આવેલો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં જર્મનીએ ધીમેધીમે કરીને તેનું સોનું પરત મેળવવાનું શરૂ કરી જ દીધું છે. જોકે, હજુ પણ તેનો ૧૨૦૦ ટનથી વધુ સુવર્ણભંડાર ન્યૂયોર્કમાં પડેલો છે.
સોનું સંઘરવામાં એકલા અમેરિકાનો ઈજારો નથી
ફક્ત અમેરિકા જ નહીં, બ્રિટન જેવા સમૃદ્ધ અને સલામત દેશોને પણ અન્ય દેશો તેમના સોનાનો ભંડાર સાચવવા આપતો હોય છે. ભારતે પણ પોતાનો સુવર્ણ ભંડાર અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં સાચવી રાખ્યો છે.
યજમાન દેશ સોનું પરત આપવાની મનાઈ કરી શકે?
માલિક દેશ તેનું સોનું ગમે ત્યારે પરત માંગી શકે એવો નિયમ છે, પણ સોનું સાચવનાર બેંક અને યજમાન દેશ પરિસ્થિતિ જોઈને, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અથવા અન્ય કોઈ કારણ આગળ ધરીને સોનું આપવાની મનાઈ કરે એવું બનવાની શક્યતા હોય છે. ભૂતકાળનો એક કિસ્સો જોઈએ.
વેનેઝુએલાએ લંડનની એક બેંકમાં લગભગ 31 ટન સોનું રાખ્યું હતું. જ્યારે વેનેઝુએલાની સરકારે સોનું પાછું માંગ્યું ત્યારે બ્રિટને સ્પષ્ટપણે ના પાડી દીધી. તેમણે એવી દલીલ કરી હતી કે બ્રિટન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કાયદેસર નેતા માનતું નથી તેથી તેઓ સોનું નહીં આપે.
આવું બને ત્યારે સોનાનો માલિક દેશ યુદ્ધ છેડવા સિવાય કંઈ કરી નથી શકતો. બ્રિટન અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશો સામે યુદ્ધ છેડવાની ગુસ્તાખી કોણ કરે?
અમેરિકા જર્મનીને એનું સોનું આપવાની મનાઈ કરી દે, એવું બની શકે?
બની શકે, ભૂતકાળમાં બન્યું પણ છે. 2012 માં જ્યારે જર્મનીએ અમેરિકા પાસે તેનું સોનું પરત માંગ્યું હતું ત્યારે અમેરિકાએ સ્પષ્ટ ઈનકાર તો નહોતો કર્યો, પણ તેણે માંગેલા કરતાં ઓછી માત્રામાં સોનું પરત કર્યું હતું. એને લીધે જર્મન નાગરિકો અને નેતાઓને શંકા ગઈ હતી કે શું તેમનું સોનું અમેરિકામાં ખરેખર સુરક્ષિત છે? ક્યાંક અમેરિકાએ તેમના સુવર્ણ ભંડારનો ઉપયોગ કોઈક બીજા કામમાં તો નથી કરી લીધોને?
અમેરિકાએ શાખ બચાવવા પ્રામાણિકતા દાખવવી પડે
2012 માં જે બન્યું એનાથી ચેતીને હવે જર્મની એનો સંપૂર્ણ સુવર્ણ ભંડાર પરત માંગી લેવા માંગે છે. એમ થાય તો આજની પરિસ્થિતિમાં અમેરિકા જર્મનીને ના પાડી શકે નહીં. કેમ કે જો ના પાડે તો દુનિયાના બીજા દેશોમાં અમેરિકા પ્રત્યેની વિશ્વસનીયતા સામે પ્રશ્ન સર્જાય. અને શાખ ધોવાય એવી લુચ્ચાઈ કરવી જગતજમાદાર બની રહેવા તત્પર અમેરિકાને પરવડે એમ નથી.