ઇઝરાયેલ- હમાસ યુદ્ધમાં થતો નૃશંસ હત્યાકાંડ સ્વીકાર્ય બને તેમ નથી : ભારત
ભારતે પેલેસ્ટાઈનીઓને અઢળક સહાય કરી છે
યુનોની મહાસભામાં ભારતના રાજદૂત રૂચિયા કમ્બોજે કહ્યું : અમે પહેલેથી કહીએ છીએ કે આ વિવાદનો ઉકેલ મંત્રણાથી થઈ શકે
યુનો: ભારતે હજી સુધીમાં ગાઝાપટ્ટીમાં ૭૦ ટન જેટલી માનવીય સહાય કરી છે. તેમાં ૧૬.૫ ટન જેટલી તો દવાઓ અને અન્ય આરોગ્ય સાધનો સમાવિષ્ટ છે. તેમ કહેતાં યુનો સ્થિત ભારતનાં કાયમી પ્રતિનિધિ (રાજદૂત) રૂચિયા કમ્બોજે યુનોની સલામતી સમિતિમાં જણાવ્યું હતું કે, ': અમે પહેલેથી જ કહેતાં આવ્યા છીએ કે આ વિવાદનો અંત રાજદ્વારી સ્તરે મંત્રણાઓ કરીને જ આવી શકે. આ સાથે તેઓએ કહ્યું કે ગાઝામાં થઈ રહેલો નૃશંસ હત્યાકાંડ કદી સ્વીકાર્ય બને તેમ જ નથી. અમે તો પહેલેથી જ કહેતાં આવ્યા છીએ કે, આ વિવાદનો અંત શાંતિમય રીતે જ લાવવો જોઈએ અને તે માટે એક માત્ર માર્ગ છે. રાજદ્વારી સ્તરે થતી મંત્રણાઓ અને ચર્ચાનો. ગાઝામાં નાગરિકોનાં થતાં મૃત્યુઓનો અમે સખત વિરોધ કરીએ છીએ.
તે સર્વ વિદિત છે કે હમાસ આતંકીઓએ ૭મી ઓકટોબરે ઇઝરાયલના દક્ષિણ ભાગમાં રોકેટોથી કરેલા હુમલા પછી ઇઝરાયલે વળતા કરેલા નૃશંસ હુમલાઓમાં હજી સુધીમાં ૧૫૦૦૦ થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. જે પૈકી મોટાભાગના તો મહિલાઓ અને બાળકો છે. ભારતે પહેલેથી જ વિવાદનો શાંતિમય ઉકેલ માટે આગ્રહ રાખ્યો છે.