જનરલ આસિમ મુનીર બન્યા પાકિસ્તાનના નવા આર્મી ચીફ, જાણો વધુ વિગતો
- આસિમ મુનીર સેનાના 17માં વડા બન્યા
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ પ્રમુથ જનરલ આસિમ મુનીરે મંગળવારના રોજ દેશના નવા આર્મી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મુનીર જનરલ કમર જાવેદ બાજવાની જગ્યા લેશે. બાજવાને વર્ષ 2016માં 3 વર્ષ માટે આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને 3 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
મુનીરે 'જનરલ હેડક્વાર્ટર' ખાતે આયોજિત એક સમારોહમાં ચાર્જ સંભાળ્યો અને આ સાથે તેઓ 'સેનાના 17માં વડા' બન્યા છે. વડા પ્રધાન શહબાઝ શરીફે 24 નવેમબરના રોજ મુનીરને આર્મી ચીફ તરીકે નામાંકિત કર્યા હતા. પાકિસ્તાનમાં અગાઉ પણ ઘણી વખત પરિવર્તન થયું છે, જ્યાં સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં સેના પાસે ઘણી શક્તિ છે.
મુનીર ISI અને MIના વડા રહી ચૂક્યા છે
મુનીર એવા પ્રથમ આર્મી ચીફ છે, જેમણે બે સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ, ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) અને મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) ના વડા તરીકે સેવા આપી છે. જો કે તેઓ અત્યાર સુધીના સૌથી ઓછા સમય માટે ISI ચીફ રહ્યા છે. 8 મહિનાની અંદર વર્ષ 2019માં તત્કાલિન વડા પ્રધાન ઈમરાન ખાનના કહેવાથી તેમની જગ્યાએ લેફ્ટનેન્ટ જનરલ ફૈઝ હામીદને ISI પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની સુરક્ષા-વિદેશ નીતિમાં સેનાનો હસ્તક્ષેપ
પાકિસ્તાન 75 વર્ષથી અસ્તિત્વમાં છે અને દેશ અડધાથી પણ વધુ સમય સુધી લશ્કરી શાસન હેઠળ રહી ચૂક્યો છે. આવી સ્થિતમાં સેના દેશની સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં ખૂબ જ હસ્તક્ષેપ કરી રહી છે. ત્યારે પાકિસ્તાનમાં ચીફ આર્મી પદથી નિવૃત થયેલા જનર કમર જાવેદ બાજવાએ સોમવારના રોજ રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી અને વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે વિદાય મુલાકાત કરી હતી. મંગળવારના રોજ પાકિસ્તાની સેનાના રાવલપિંડી ખાતેના હેડક્વાર્ટરમાં કમાન્ડ પરિવર્તન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેની હેઠળ જનરલ બાજવાએ પોતાના અનુગામી જનરલ આસિમ મુનીરને સેનાની બાગડોર સોંપી હતી.