ગાઝા : તત્કાળ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ સલામતી સમિતિમાં અમેરિકાએ વીટો વાપરી ઉડાડી મૂક્યો
- અમેરિકા ફરી ઇઝરાયેલની સહાયે કહ્યું : અમારા તમામ સૂચનો ઉડાડી દેવાયા હોવાથી અમારે આમ કરવું પડયું છે
યુનો : હમાસ ઇઝરાયલ યુદ્ધ આશરે બે મહિનાથી ચાલી રહ્યું છે તે દરમિયાન ગાઝા પટ્ટીમાં તુર્ત જ સીઝ ફાયર (યુદ્ધ વિરામ) માટે યુનોની સલામતી સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ અમેરિકાએ વીટો વાપરી તે પ્રસ્તાવ ઉડાડી મુક્યો. તે માટે અમેરિકાના ઉપપ્રતિનિધિ રોબર્ટ વૂડે ભારપૂર્વક કહ્યું કે : આ પ્રસ્તાવ વાસ્તવિક્તાથી દૂર છે. દુર્ભાગ્યે અમારાં તમામ સૂચનો અને તમામ ભલામણો નજર-અંદાજ કરાયાં છે. તેથી અમારે વીટોનો ઉપયોગ કરવો પડે છે.
આ પૂર્વે પણ અમેરિકા ખુલ્લેઆમ યુનોમાં ઇઝરાયલ તરફે બોલતું આવ્યું છે. આ પ્રસ્તાવ પહેલાં પણ ઇઝરાયલ વિરૂદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવો પર અમેરિકાએ વીટો વાપર્યો છે. આ રીતે અમેરિકા ફરી એકવાર ઢાલ બની ઇઝરાયલને બચાવવા મેદાને પડયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે) યુ.એ.ઇ.એ આ પ્રસ્તાવ યુદ્ધ વિરામ પ્રસ્તાવ પહેલાં યુનોની મહાસમિતિમાં રજૂ કર્યો હતો. તેને ૯૦થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. જ્યારે ૧૩ સભ્યોએ તે પ્રસ્તાવ વિરૂદ્ધ મતદાન કર્યું હતું. બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.
આ અંગે રોબર્ટ વૂડે કહ્યું : અફસોસ તે વાતનો છે કે અમે તેનું સમર્થન કરી શકીએ તેમ નથી. તેમાં ૭ ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાને વખોડી કાઢતા શબ્દો શા માટે નથી ? આ ઉપરાંત અમોને લાગે છે કે અ પ્રસ્તાવ કોઈ પણ શર્ત વિના યુદ્ધ વિરામ કરવા જણાવે છે. સાથે અમોને ભીતિ છે કે જો યુદ્ધ વિરામ થશે તો હમાસને ફરી હુમલો કરવાની તક મળશે. માટે એ પ્રસ્તાવ અવાસ્તવિક છે, તેથી એ વધુ ખતરનાક છે.
તે સર્વવિદિત છે કે, ઇઝરાયલનાં આક્રમણ દરમિયાન, ૧૭,૪૦૦થી વધુનાં મૃત્યુ થયાં છે, જેમાં ૭૦ ટકા તો મહિલાઓ અને બાળકો છે. ૪૬,૦૦૦થી વધુ ઘાયલ થયા છે.