VIDEO: રાહત સામગ્રી પહોંચાડતો પેરાશૂટ ના ખૂલતા કિટ લોકો પર પડી, પાંચના મોત
એરડ્રોપ કરીને ગાઝામાં ફેંકાયેલા એક પેકેજનું પેરાશૂટ ન ખૂલતાં દુર્ઘટના સર્જાઈ
image : Twitter |
Israel Gaza war Updates | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની કિંમત ગાઝાના નાગરિકોએ ચૂકવવી પડી રહી છે. તેમની મદદ માટે રાહત પેકેજો મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ મદદરૂપે આકાશથી વરસી રહેલા રાહત પેકેજ પણ તેમના માટે આફત બની ગયા છે. એરડ્રોપ દ્વારા ગાઝા પર વરસાવાયેલા કેટલાક પેકેજનું પેરાશૂટ ન ખૂલતાં મોટી દુર્ઘટના સર્જાઈ. લાઈનમાં ઊભેલા લોકો પર જ આ રાહત પેકેજ સીધું આકાશથી પડ્યું. જેના લીધે પાંચ લોકો મૃત્યુ પામી ગયા અને ઘણાં ઘાયલ થયા હતા. આ ઘટના ઉત્તરી ગાઝાના એક શરણાર્થી કેમ્પમાં બની હતી.
ગાઝાના સરકારી મીડિયા ઓફિસે કરી પુષ્ટી
ગાઝા સરકારી મીડિયા ઓફિસે જાનહાનિની સંખ્યાની પુષ્ટિ કરી હતી અને એરડ્રોપ્સ દ્વારા મદદ પહોંચાડવાના પ્લાનને નકામું ગણાવ્યું. તેણે કહ્યું કે આ એરડ્રોપ્સ દ્વારા સહાય પહોંચાડવી તે માત્ર પ્રોપોગેન્ડા છે, તે કોઈ માનવસેવા નથી. આ સાથે જમીન સરહદ દ્વારા ખોરાક અને અન્ય સામગ્રી નિઃસહાય લોકો સુધી પહોંચાડવાની અપીલ કરાઈ હતી. મીડિયા ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે પહેલાથી જ ચેતવણી આપી હતી કે આનાથી ગાઝા પટ્ટીના નાગરિકોના જીવ જોખમમાં મૂકાશે અને એવું જ બન્યું.
આ રાહત પેકેજ અમેરિકાએ નથી મોકલ્યાં
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નાગરિકોના જીવ લેનાર આ રાહત પેકેજના એરડ્રોપ અમેરિકાએ મોકલ્યા હતા. પરંતુ અમેરિકાએ આ વાતને નકારી કાઢી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "એરડ્રોપને કારણે જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ." પરંતુ આ અંગે કેટલાક અહેવાલોમાં કરાઈ રહેલા દાવા ખોટા છે. અમેરિકા દ્વારા આ રાહત પેકેજ એરડ્રોપ નથી કરાયા.
ભૂખનું સંકટ ગંભીર ઘેરાયું
માનવીય બાબતોના સમન્વય માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયે ગત મહિને જણાવ્યું હતું કે ગાઝામાં 4માંથી 1 વ્યક્તિ ભૂખમરાંનો સામનો કરી રહી છે. ગાઝામાં યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે 23 જાન્યુઆરીથી ઈઝરાયલી સત્તાધીશોએ ગાઝા પટ્ટીના ઉત્તરીય વિસ્તારમાં પુરવઠો પહોંચાડવા પર રોક લગાવી રાખીછે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ તાજેતરમાં કહ્યું હતું કે તેણે ઉત્તરી ગાઝા મોકલેલા પ્રથમ કાફલાને મંગળવારે સેના દ્વારા પરત કરવામાં આવ્યું હતું.