ગાઝા યુદ્ધ : અખાતી દેશોમાં ચીનનો વધતો ચંચુપાત

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ગાઝા યુદ્ધ : અખાતી દેશોમાં ચીનનો વધતો ચંચુપાત 1 - image


- ચીનમાં ચાર અરબ દેશ અને ઇન્ડોનેશિયાનના વિદેશપ્રધાનોની બેઠક યોજાઈ

- સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાયેલ વિરૂદ્ધ પ્રસ્તાવમાં તમામ કાયમી સભ્યો સહમત થાય તેવા ઓઆઇસીના પ્રયાસો

- યુદ્ધના કારણે 17 લાખ પેલેસ્ટાઇની નિરાશ્રિત બન્યા : નવ લાખ લોકો યુએનના આશ્રયસ્થાનમાં 

- ગાઝાની અલ-શિફા હોસ્પિટલની નીચેથી હમાસની સુરંગ મળ્યાનો ઇઝરાયેલનો દાવો : વિડીયો જારી કર્યો

બૈજિગ : ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતુ યુદ્ધ પેલેસ્ટાઇનીઓ ઘાતક બન્યું છે, પડોશી આરબ દેશો માટે શરણાર્થી મુસીબત બન્યું છે, પરંતુ ચીન માટે આ યુદ્ધ એક તક બનીને ઉભરી આવ્યું છે. ઇઝરાયેલ-ગાઝાયુદ્ધના પગલે ચીનને મુસ્લિમ દેશો પર પક્કડ બનાવવાની તક મળી ગઈ છે. બૈજિંગમાં યોજાનારી શાંતિ મંત્રણામાં ભાગ લેવાાં ચાર આરબ  અને એક ઇન્ડોનેશિયન પ્રધાન આવ્યા છે. 

આ બેઠકમાં ભાગ લેવા માટે પેલેસ્ટાઇન ઓથોરિટીનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ બેઠક દરમિયાન સંઘર્ષ શાંત કરવા માટે વ્યાપક પાયા પર ચર્ચા થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ચીન યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી રહ્યું છે. આમ મધ્યપૂર્વમાં ચીનનો ભૂરાજકીય પ્રભાવ વધી રહ્યો છે.આરબ-ઇસ્લામિક દેશોનું પ્રતિનિધિમંડળ ૨૦થી ૨૧ નવેમ્બર ચીનના પ્રવાસે આવશે. 

ચીન ઐતિહાસિક રીતે પેલેસ્ટાઇનનું સમર્થક રહ્યું છે. તે હંમેશા દ્વિરાષ્ટ્ર સમાધાનનું સમર્થન કરી રહ્યુ છે. ગયા મહિને પણ વિદેશ પ્રધાન વાંગ યીએ પેલેસ્ટાઇન ઓથોરિટીના વિદેશ મંત્રી રિયાદ અલ માલિકી સાથે વાત કરી હતી. અરબ વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે યુએને ગાઝામાં વધારે પ્રયત્નો કરવાની અને વધુ સહયોગ આદરવાની જરુર છે. 

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે ચીન આરબ અને ઇસ્લામિક દેશોનું સારુ મિત્ર છે. અમે હંમેશા આરબ-ઇસ્લામિક દેશોના અધિકારો અને હિતોને સમર્થન આપ્યું છે અને તે જ રીતે પેલેસ્ટાઇનને પણ સમર્થન આપ્યું છે. 

ચીને પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું હતું અને ઇઝરાયેલે પેલેસ્ટાઇનની જપ્ત કરેલી જમીન પર વરસાવેલી વસાહતો દૂર કરવી જોઈએ તેમ કહ્યું હતું. હમાસે ઇઝરાયેલ પર સાત ઓક્ટોબરો હુમલો કર્યો તેની ચીને ટીકા કરી ન હતી. તેમા ઇઝરાયેલના ૧,૨૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અમેરિકા અને બીજા દેશોએ તેને તરત જ આતંકવાદી કૃત્ય ગણાવી વખોડી કાઢ્યું હતું. જો કે ચીન ઇઝરાયેલ સાથે ધીમે-ધીમે આર્થિક સંબંધો વિકસાવી રહ્યુ છે.આમ ચીન પાકિસ્તાન, ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયા, યુએઇ, જોર્ડન, સીરિયા, કતાર સહિતના દેશો સાથે તેના સંબંધ ઉત્તરોતર મજબૂત બનાવી રહ્યું છે. 

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધ દરમિયાન રવિવારે ગાઝાપટ્ટીની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા નીચેથી હમાસની સુરંગનો વિડીયો જારી કર્યો છે. ઇઝરાયેલના જણાવ્યા મુજબ હમાસે સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં સેંકડો કિ.મી. લાંબી ગુપ્ત સુરંગો અને બંકરોનું એક નેટવર્ક તૈયાર કર્યુ છે. આઇડીએફનો દાવો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલના સંકુલની નીચે દસ મીટર ઊંડી ૫૫ મીટર લાંબી સુરંગ બનાવી છે, જેમા બે વિદેશી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલની આસપાસ મોટાપાયા પર સંઘર્ષ ફાટી નીકળ્યો હોવાનું કહેવાય છે. ઇન્ડોનેશિયન હોસ્પિટલ પર પડેલા શેલમાં ૧૨ના મોત થયા હોવાનું કહેવાય છે.  આઇડીએફ મુજબ વિડીયોમાં દેખાય છે કે એક લાંબી સીડી સુરંગના મોઢાથી પ્રવેશદ્વાર તરફ જાય છે. અહીં બ્લાસ્ટ પ્રૂફ દરવાજો અને ફાયરિંગ હોલ પણ છે. સુરંગ શાફ્ટ હોસ્પિટલની અંદર વાહનની જોડે ખૂલ્યું હતું. તેમા આરપીજી, વિસ્ફોટક અને ક્લાશ્નિકોવ રાઇફલ સહિત ઘણા શસ્ત્રો મૂકવામાં આવ્યા હતા. ઇઝરાયેલ દ્વારા વિડીયોથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે અલ શિફા હોસ્પિટલના સંકુલમાં આવેલી કેટલીય બિલ્ડિંગ્સનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ કરતા હતા. 

આમ હમાસ તેની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ગાઝાપટ્ટીના લોકોનો ઉપયોગ તેની ઢાલ માટે કરતું હતું. આ સિવાય ઇઝરાયેલ ફોર્સે હમાસના લોકો હોસ્પિટલમાંથી બંધકોને લઈ જતા હતા તેવો વિડીયો પણ જારી કર્યો છે. આ બંધકમાં એક થાઇલેન્ડનો છે અને બીજો નેપાળી છે. તેને સાતમી ઓક્ટોબરના હુમલામાં બંદી બનાવાયા હતા. 

ઇઝરાયેલ પેલેસ્ટાઇનીઓને સતત ગાઝાની દક્ષિણે ધકેલી રહ્યું છે. ગાઝાના ૧૭ લાખ લોકો એટલે કે કુલ વસ્તીનો ૬૬ ટકા હિસ્સો વિસ્થાપિત થઈ ગયો છે. તેમાથી નવ લાખ યુએન આશ્રયસ્થાનમાં રહે છે.

ચીનમાં ઓઆઈસીના કયા દેશો હાજર રહ્યા

ચીનમાં મળેલી ઓઆઈસીની બેઠકમાં ૨૦ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ઈઝરાયલ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવો વ્યૂહ અજમાવી શકાય તેની ચર્ચા થઈ હતી. એમાંથી મુખ્ય દેશો આ હતા : ઈન્ડોનેશિયા,  ઈજિપ્ત, સાઉદી અરેબિયા, જોર્ડન, પેલેસ્ટાઈન, કતાર, તુર્કી, નાઈજીરિયા

ચીનની મધ્યસ્થીથી ઈરાન-સાઉદી વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા

ચીનની મધ્યસ્થીથી માર્ચ મહિનામાં ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની પુન: શરૂઆત થઈ હતી. ઈરાન અને સાઉદીએ તહેરાન અને રિયાદમાં રાજકીય દૂતાવાસો શરૂ કરવાની જાહેરાત કરી હતી.

આ બેઠકમાં ચીને મધ્ય-પૂર્વે એશિયાના બાકીના દેશો જેવા કે ઈરાક-સીરિયા-લેબેનોન-યમન અને બાહરિન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદનો અંત લાવવા બેઈજિંગ પ્રયત્ન કરશે તેની હિમાયત કરી હતી.


Google NewsGoogle News