UNSCમાં ગાઝાને લઈને પાસ થયો એવો પ્રસ્તાવ કે USA પર જ ગુસ્સે થયું ઈઝરાયલ, નેતન્યાહૂએ લીધો મોટો નિર્ણય
- 15માંથી 14 સભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું જ્યારે અમેરિકા આ મતદાનથી દૂર રહ્યું હતું
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2024, મંગળવાર
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રથમ વખત ગાઝામાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પ્રસ્તાવ પસાર થયો છે. રમઝાન મહિનામાં યોજાયેલી આ બેઠક દરમિયાન 15માંથી 14 સભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું જ્યારે અમેરિકા આ મતદાનથી દૂર રહ્યું હતું.
આ પ્રસ્તાવમાં તમામ બંધકોને શરતો વિના તાત્કાલિક મુક્ત કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના તમામ અવરોધોને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર મતદાન નથી કર્યું. આ પહેલા ત્રણ વખત તે UNSCમાં આ પ્રસ્તાવો પર વીટો લગાવી ચૂક્યું છે.
શું UNSCમાં પ્રસ્તાવ પાસ થવાથી યુદ્ધ બંધ થશે?
UNSCના પ્રસ્તાવોને આંતરરાષ્ટ્રીય કાયદો ગણવામાં આવે છે. સભ્ય દેશોએ તેનું પાલન કરવું જરૂરી છે. જો કે, ઈઝરાયેલ UNSCનું સ્થાયી કે અસ્થાયી સભ્ય નથી. આવી સ્થિતિમાં તે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે બંધાયેલુ નથી.
જો સુરક્ષા પરિષદમાં જો કોઈ પ્રસ્તાવ પાસ થઈ પણ જાય તો ત્યાં તેને લાગુ કરવાનો કોઈ રસ્તો નથી. એવું થઈ શકે કે, સભ્ય દેશોની સહમતિથી ઈઝરાયેલ પર અનેક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ રોકવા માટે પ્રથમ પ્રસ્તાવ નવેમ્બર 2023માં માલ્ટાએ રજૂ કર્યો હતો. બીજી વખત UAEએ ડિસેમ્બર 2023માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ત્રીજી વખત ફેબ્રુઆરી 2024માં નોર્થ આફ્રિકન દેશ અલ્જેરિયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ તેને ત્રણેય વખત તેને ઠુકરાવી દીધો હતો.
નેતન્યાહૂએ લીધો મોટો નિર્ણય
UNSCના મતદાનથી અમેરિકાની પીછેહઠ પર ઈઝરાયેલે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ વીટો ન કરવા પર ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ વોશિંગ્ટન જઈ રહેલા રક્ષા મંત્રી યોવ ગૈલેંટની યાત્રા રદ કરી દીધી છે.
આ ઉપરાંત ઈઝરાયલના વિદેશમંત્રીએ કહ્યું કે, અમે ફાયરિંગ બંધ નહીં કરીશું. અમે હમાસને તબાહ કરી દઈશું અને ત્યાં સુધી યુદ્ધ લડતા રહીશું જ્યાં સુધી દરેક બંધક મુક્ત થઈને ઘરે પરત ન ફરે.
બીજી તરફ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, UNSCએ ગાઝામાં લાંબા સમયથી પેન્ડિંગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની માગ કરવામાં આવી થે. આ પ્રસ્તાવને જલ્દી લાગુ કરી દેવો જોઈએ.
વીટો શું છે....
UNSCમાં પાંચ સ્થાયી સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન સામેલ છે. માત્ર તેમને જ વીટો પાવર મળ્યો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સુરક્ષા પરિષદ આ પાંચ દેશોની સંમતિ વિના કોઈપણ પ્રસ્તાવ પસાર કે લાગુ નથી કરી શકતી. પાંચમાંથી જો કોઈ એક સભ્ય પણ તેનો વીટો કરે તો તે પ્રસ્તાવ નામંજૂર થઈ જાય છે.