ભારતમાં નહી પરંતૂ આ દેશમાં છે 700 વર્ષ જુની માઉન્ટ બ્રોમો પર સ્થિત શ્રી ગણેશજીની મુર્તિ
તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર
ગણેશ ચતુર્થીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતમાં, ખાસ કરીને મુંબઈમાં ભગવાન ગણેશની વિશાળ પ્રતિમાઓ જોઈ હશે, જેની લોકો પૂજા કરે છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં મોટાભાગના લોકો મુસ્લિમ છે, પરંતુ અહીં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.
ભગવાન ગણેશની આ 700 વર્ષ જૂની મૂર્તિ ઈન્ડોનેશિયાના માઉન્ટ બ્રોમો પર સ્થિત છે, જ્યાં ગુનુંગ બોર્મો નામનો એક સક્રિય જ્વાળામુખી છે. તેમાંથી ધુમાડો નીકળતો રહે છે અને આગ પણ સળગતી રહે છે. એ પ્રતિમાને જોઈને એવું લાગે છે કે, જાણે ભગવાન પોતે ત્યાં બેસીને લોકોની રક્ષા કરી રહ્યા છે. તે ખૂબ જ પવિત્ર પર્વત છે.
આ પર્વતનું નામ ભગવાન બ્રહ્માના નામ પરથી છે જેને આ લોકો બ્રોમો કહે છે. આ જ્વાળામુખી પૂર્વ જાવા પ્રાંતના બ્રોમો ટેનેજર સેમેરુ નેશનલ પાર્કમાં સ્થિત છે. આના પરથી સમજી શકાય છે કે, ઈન્ડોનેશિયામાં હિંદુ દેવી-દેવતાઓની કેટલી પૂજા કરવામાં આવે છે.
આ જ્વાળામુખીની નજીક રહેતા લોકોને ટેનેગર કહેવામાં આવે છે. ટેનેગર લોકો ભગવાન ગણેશની પૂજા કરે છે અને આ મૂર્તિની દરરોજ પૂજા પણ કરવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં 141માંથી 130 જ્વાળામુખી સક્રિય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશ આ જ્વાળામુખીથી આ દેશના લોકોની રક્ષા કરી રહ્યા છે.
મહત્વનું છેકે, આ દેશમાં ઘણા મંદિરો ભગવાન ગણેશને સમર્પિત છે. તાનાગરના લોકો સદીઓથી ભગવાન ગણેશની પૂજા કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમના પૂર્વજોએ ત્યાં આ પ્રતિમા સ્થાપિત કરી હતી.