હમાસ સાથેનુ યુધ્ધ ખતમ થયા બાદ ગાઝા પર કોણ શાસન કરશે? ઈઝરાયેલે જાહેર કર્યો રોડ મેપ
image : Social media
તેલ અવીવ,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
હમાસ સાથેનુ યુધ્ધ પૂરુ થયા બાદ ગાઝામાં શાસન માટે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોન ગેલેન્ટે ચાર મુદ્દાનો એક પ્લાન જાહેર કર્યો છે.
આ પ્લાન અનુસાર ગાઝામાં યુધ્ધ પૂરુ થયા બાદ ઈઝરાયેલની સેના સૈન્ય નિયંત્રણ ચાલુ રાખશે પણ ગાઝામાં સિવિલિયન બાબતોમાં ઈઝરાયેલ દખલ નહીં કરે. પેલેસ્ટાઈનના સ્થાનિક અધિકારીઓ આમ જનતાને લગતા મામલાઓની જવાબદારી સંભાળશે.
ગુરુવારે સાંજે આ પ્રસ્તાવને વોર કેબનેટમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પેલેસ્ટાઈનના વર્તમાન શાસકોની ભૂમિકાનો કે પછી ગાઝાને ફરી કેવી રીતે વસાવવામાં આવશે તે બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
હમાસ સાથે ઈઝરાયેલે શરુ કરેલા જંગ બાદ પહેલી વખત કોઈ ટોચના નેતાએ યુધ્ધ પછીનો ગાઝા માટેનો એક વિસ્તૃત રોડ મેપ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્ય છે કે, ઈઝરાયેલ દ્વારા બોર્ડર પર નિયંત્રણ રાખવામાં આવશે અને ગાઝામાં જરુર પડે સૈન્ય કાર્યવાહીનો અધિકાર પણ ઈઝરાયેલ પાસે રહેશે.
સંરક્ષણ મંત્રી ગેલેન્ટે કહ્યુ હતુ કે, ગાઝાના લોકો પેલેસ્ટાઈનના નાગરિકો છે અને એટલે જ તેમના અધિકારીઓ જ શાસન સંભાળશે પણ ઈઝરાયેલ સામે કોઈ જાતની શત્રુતાપૂર્ણ કાર્યવાહી નહીં કરે તેવી શરત પણ રહેશે.
જોકે આ પ્રસ્તાવમાં ગાઝાના વહિવટની કમાન પેલેસ્ટાઈનના અધિકારીઓને આપવાની જોગવાઈ સામે કેટલાક સાથી પક્ષો નારાજ પણ હોવાનુ કહેવાય છે. ખાસ કરીને ગાઝામાં યહૂદીઓને વસાવવાના પ્રસ્તાવનો આ રોડ મેપમાં છેદ ઉડાવી દેવાયો છે.